અમદાવાદ જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી 2.58 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોષણ, ગુજરાત બન્યું દેશનું અગ્રણી રાજ્ય

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ અને સુશાસન પર્વ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના આજે સમગ્ર દેશમાં એક અનુકરણીય મોડેલ બની છે. વડાપ્રધાન દ્વારા આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના સંકલ્પને સાકાર કરતી આ યોજના ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવી હતી, જે આજે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની રહી છે.
ગુજરાત સરકારે શિક્ષણ સાથે પોષણનો સર્વગ્રાહી અભિગમ અપનાવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત પી.એમ. પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત વિદ્યાર્થીઓને વધારાનો પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે, જેથી બાળકોના આરોગ્ય, શક્તિ અને અભ્યાસક્ષમતામાં વધારો થઈ શકે.
ગીતાના શ્લોક મુજબ સત્ત્વગુણી આહાર આયુષ્ય, આરોગ્ય, આનંદ અને સંતુષ્ટિમાં વૃદ્ધિ કરે છે. આ વિચારધારાને ચરિતાર્થ કરતી આ યોજનાથી બાળકોને રસદાયક, પૌષ્ટિક અને સંતુલિત અલ્પાહાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વિકાસયાત્રાને નવી દિશા આપી છે અને લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્યની પ્રજાના જીવનસ્તરને ઉંચું લાવવાનો પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં અમલમાં મૂકાઈ છે. પી.એમ. પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને નિયમિત રીતે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. યોજના હેઠળ સરેરાશ 200 કિલોકેલરી અને પૂરતું પ્રોટીન ધરાવતો અલ્પાહાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ યોજનામાં બાળકોને સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, તેમજ મિલેટ આધારિત અલ્પાહાર આપવામાં આવે છે. બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત અલ્પાહાર આપવાનો નિર્ણય લેનાર ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. આ રીતે ગુજરાત સરકાર વડાપ્રધાનના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને અસરકારક રીતે સાકાર કરી રહી છે.
યોજનાના અમલીકરણને વધુ સુગમ બનાવવા માટે તેમાં જોડાયેલા સંચાલકો અને કુક કમ હેલ્પર્સના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સંચાલકોનું માનદ વેતન 300 રૂપિયાથી વધારીને 4,500 રૂપિયા કરવામાં આવ્યું છે. 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ માટે કુક કમ હેલ્પરનું વેતન 2,500 રૂપિયાથી વધારીને 3,750 રૂપિયા અને 26થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં હેલ્પરનું વેતન 1,000 રૂપિયાથી વધારીને 1,500 રૂપિયા કરવામાં આવ્યું છે. આ પગલાંથી યોજનાનું કાર્યક્ષમ અમલીકરણ શક્ય બન્યું છે.
હાલ અમદાવાદ જિલ્લામાં 1,156થી વધુ પ્રાથમિક શાળાઓના 2.58 લાખથી વધુ વિદ્યાર્થીઓને કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર મળી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 694 શાળાઓમાં 1,37,381 વિદ્યાર્થીઓ અને અમદાવાદ શહેરી વિસ્તારની 462 શાળાઓમાં 1,21,430 વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
તાલુકાવાર વિગતો મુજબ દસક્રોઇ તાલુકાની 134 શાળાઓમાં 37,031 વિદ્યાર્થીઓ, સાણંદની 110 શાળાઓમાં 24,500, બાવળાની 62 શાળાઓમાં 15,322, વિરમગામની 97 શાળાઓમાં 14,657, ધોળકાની 104 શાળાઓમાં 19,128, ધંધુકાની 50 શાળાઓમાં 7,150, ધોલેરાની 39 શાળાઓમાં 5,158, માંડલની 43 શાળાઓમાં 6,150 અને દેત્રોજની 55 શાળાઓમાં 8,285 વિદ્યાર્થીઓ સરેરાશ લાભ લઈ રહ્યા છે.
આ રીતે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ 1,156 શાળાઓના 2,58,811 બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડી સુપોષિત ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો આપવામાં આવી રહ્યો છે. શિક્ષિત, સ્વસ્થ અને સશક્ત પેઢી તૈયાર કરવા માટે શરૂ કરાયેલી આ યોજના કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતના લક્ષ્ય તરફ એક મજબૂત પગલું સાબિત થઈ રહી છે.
સરકારના મતે, આવી પોષણલક્ષી યોજનાઓ દ્વારા 2047 સુધીમાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.





