NATIONAL

‘વ્યક્તિગત સ્વતંત્રતા પણ કંઈક છે’, CBI કેસમાં 43વાર જામીન મુલતવી રખાતા CJI ગુસ્સે થયા

દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ CBI સબંધિત એક ઘટનામાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા એક આરોપીની જામીન અરજીને 43 વખત અટકાવવા બદલ ફિટકાર લગાવી છે. CJI ગવઈની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, આ મામલે આરોપી પહેલાથી જ સાતા ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યો છે. એટલા માટે વ્યક્તિગત સ્વતંત્રતા મામલે આ પ્રકારે વારંવાર જામીન મુલતવી રાખવાનું સ્વીકારી શકાય નહીં.

જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આરોપી રામનાથ મિશ્રાને જામીન આપતા કહ્યું કે, વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત કેસોમાં અદાલતોએ ખૂબ જ ઝડપથી વિચાર કરવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે, “અમે વારંવાર અવલોકન કર્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત કેસમાં ખૂબ જ ઝડપથી કોર્ટ દ્વારા વિચાર કરવો જોઈએ. વ્યક્તિગત સ્વતંત્રતાના કેસોમાં હાઈકોર્ટ પાસેથી આવી અપેક્ષા ના રાખી શકાય કે તે આ મામલે આ કેસને આટલા લાંબા સમય સુધી પેન્ડિંગ રાખી શકે. અને સમયે સમયે સુનાવણી સ્થગિત કરવા સિવાય કંઈ ના કરે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, આ કેસમાં 43 વખત જામીન મુલતવી રાખવામાં આવ્યા છે. નાગરિકની વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત કેસમાં આટલી બધી વખત જામીન મુલતવી રાખવાનું હાઇકોર્ટનું વલણ અમને પસંદ નથી. વ્યક્તિગત સ્વતંત્રતા પર તાત્કાલિક અને ઝડપથી તપાસ થવી જોઈએ.

સીબીઆઈ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસડી સંજયે જામીન અરજીનો વિરોધ  કરતા કહ્યું કે, જો જામીન અરજીઓ હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવે છે. એનાથી ખોટો મેસેજ સ્થાપિત થશે. જોકે, સુપ્રીમ કોર્ટે સીબીઆઈની આ દલીલ પર ધ્યાન આપ્યું નહીં. સાથે જ કહ્યું કે, આરોપી પહેલાથી જ સાડા ત્રણ વર્ષથી વધુ સમય કસ્ટડીમાં વિતાવી ચૂક્યો છે. તેની જામીન અરજીઓ પર સુનાવણી 43 વખત મુલતવી રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં, જામીન ન આપવા એ તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાય.

સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં હાઈકોર્ટને ઠપકો આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે 22 મે, 2025 ના રોજ આ જ કેસમાં સહ-આરોપીને જામીન આપ્યા હતા ત્યારે એ વાત સામે આવી હતી કે, હાઈકોર્ટે તેની જામીન અરજી પર 27 વખત સુનાવણી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદારને ટ્રાયલ કોર્ટના સંતોષ માટે જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!