
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી.જાલનાથી સ્ટીલના સળિયા ભરીને સુરત તરફ જઈ રહેલી એક ટ્રકને સાપુતારાના વળાંકવાળા ઘાટમાં અકસ્માત નડ્યો હતો.ટ્રકની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ટ્રક રોડની બાજુમાં આવેલી ઊંચી ભેખડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના જાલનાથી સૂરત તરફ જઈ રહેલી ટ્રક.ન.એમ.એચ.46.સી.યુ.1095 જ્યારે સાપુતારા ઘાટ ઉતરી રહી હતી, ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ઘાટના જોખમી વળાંક પર બ્રેકે કામ ન આપતા ચાલકે ટ્રકને ખીણમાં ખાબકતી બચાવવા માટે સમયસૂચકતા વાપરી ટ્રકને રોડની સાઈડમાં આવેલી પહાડની ભેખડ તરફ વાળી દીધી હતી. ભેખડ સાથે ટ્રક અથડાતા કેબિનના ભાગે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે.ટ્રકમાં ભરેલા સ્ટીલના સળિયાનો જથ્થો સુરક્ષિત રહ્યો છે, જોકે ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનું પાછળની ટ્રોલી વળી ગઈ હતી.સાપુતારા ઘાટમાં અવારનવાર બ્રેક ફેઈલ થવાના કારણે અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે આ ઘટનામાં ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે..




