
નરેશપરમાર. કરજણ,

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો દબદબાભેર પ્રારંભ :
પરિક્રમામાં ભાવિક ભક્તો વહેલી સવારથી સાંજ સુધી પગપાળા નિરંતર નદીના પ્રવાહની જેમ માનવ મહેરામણ ચાલતો રહ્યો, આનંદ ઉત્સાહમાં ભક્તો.
નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાતપુડા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખળખળ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળરાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી ભારતની મુખ્ય પાંચ નદીઓમાંની એક છે તેને મેકલ કન્યા, શિવપુત્રી, પુણ્ય સલિલા, રેવા જેવા અનેક નામોથી લોકો ઓળખે છે. કંકણ કંકણમાં શંકરનો વાસની અનુભૂતિ અને આધ્યાત્મ, તપ, શ્રદ્ધાની દેવી લોકોના દિલમાં રગ રગમાં જળપ્રવાહની જેમ વસે છે. લોકો તેની ભાવથી પરિક્રમા કરે છે. માર્કંડ ઋષિ દ્વારા પ્રથમ આ પરિક્રમા કરવામાં આવી ત્યારથી ભાવિકોમાં શ્રધ્ધા,આસ્થા બેવડાઈ ગઈ છે અને નર્મદા શબ્દની ઉત્પતિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેનેવાલી જળદેવીના દર્શન સ્નાનથી ભાવિકો ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં ૧૪ કિ.મી.ની નર્મદાની એક મહિનો ચાલનારી પરિક્રમા કરીને આખી નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય અને ગંગા નદીના કુંભ મેળાના સ્નાન જેટલું જ પવિત્ર માને છે અને મોક્ષ આપનારી સુખ-શાંતિ આપનારી લોકમાતા રેવા કહેવાય છે. અપવાદરૂપ માત્રને માત્ર નર્મદા પૂર્વ થી પશ્ચિમ દિશામાં ઉલટા પ્રવાહે વહે છે એટલે તેને ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા કહેવામાં આવે છે. સ્કંદપુરાણમાં પણ તેનો ઉલ્લેખ અને જાણકારી મળે છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે ૧૪ કિ.મી.ની ભક્તો પૂરી કરે છે.નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઈટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, ચાર ઘાટ પર બેરિકેટીંગ, સીસીટીવી કેમેરા, છાયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂા.૩.૮૨ કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે આકર્ષક કમાનવાળા ગેટ, સાઇન બોર્ડની સુવિધા ટૂંકમાં પદયાત્રીને ક્યાંક મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઇ છે.



