ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો 14મો દીક્ષાંત સમારોહ: 38,928 વિદ્યાર્થીઓને પદવી પ્રાપ્ત
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) નો 14મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે ટેક્નોલોજી તે સમયે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. તેમણે તાકીદ કરી કે ટેકનિકલ વિકાસ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણાના મૂલ્યો અપનાવવા જરૂરી છે.
દીક્ષા એટલે માત્ર ડિગ્રી મેળવવાનો અવસર નહીં પરંતુ તે જીવનના નવા અધ્યાયની શરૂઆત છે. રાજ્યપાલે વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે પ્રતિબદ્ધ થઈ પોતાના જ્ઞાન અને પ્રતિભાનું ઉપયોગ કરવા પ્રેરિત કર્યા.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારતની શાસ્ત્રપ્રધાન પરંપરાને અનુસરતા, દેશને વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવું વિદ્યાર્થીઓની જવાબદારી છે. મંત્રીએ 2047 સુધીમાં વિકાસશીલ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે યુવાનોને અનુરોધ કર્યો.
આ પ્રસંગે જીટીયુના 38,928 વિદ્યાર્થીઓને પદવી, 70 પીએચ.ડી અને 146 મેડલ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
એલ એન્ડ ટીના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટ જયંત પાટીલે “વિશ્વગુરુ ભારત”ના વિચારોને ફરીથી સાકાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ઇતિહાસમાંથી શીખવા વિનંતી કરી.
જીટીયુના કુલપતિ રાજુલ ગજ્જરે યુનિવર્સિટીની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના વિકાસ અને રોજગારીના સર્જન માટે ટેકનોલોજી અને ઈનોવેશનના ત્રિવેણી સંગમથી જ્ઞાનના ક્ષેત્રમાં GTUએ પ્રગતિ કરી છે.
કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને મંત્રીએ GTUના સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજીના સ્ટોલની મુલાકાત લઈને અભિપ્રાય વ્યક્ત કર્યો.
આ સમારોહમાં શિક્ષણવિભાગના અધિકારીઓ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.