GUJARATIDARSABARKANTHA

૨૪x૭ કલાક મીટર સાથે પાણી વિતરણ વ્યવસ્થા ધરાવતું ગુજરાતનું ‘તખતગઢ’ ગામ

૨૪x૭ કલાક મીટર સાથે પાણી વિતરણ વ્યવસ્થા ધરાવતું ગુજરાતનું ‘તખતગઢ’ ગામ
…………………………
ગામની અન્ય સિદ્ધિઓ
 સાબરકાંઠાના તખતગઢ ગામમાં પાણી વેરાની ૧૦૦ ટકા વસૂલાત
 રાષ્ટ્રીય જળ પુરસ્કાર, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, નિર્મળ ગ્રામ સહિત કુલ-૬ એવોર્ડ વિજેતા ગામ
 કૃષિમાં ૧૦૦ ટકા ટપક સિંચાઇ ધરાવતું ગામ
 આગામી સમયમાં ૧૦૦ ટકા ઘરોમાં વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકા બનાવવાનો નિર્ધાર
…………………………
‘આત્મા ગામડાનો, સુવિધા શહેરોની’ના મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામોમાં પણ પાણી, વીજળી, પાકા રસ્તા, ગટર, શૌચાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આવું જ એક ‘તખતગઢ’ ગામ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું છે.
આ સુવિધાના ભાગરૂપે અંદાજે ૧૫૦૦ની વસ્તી અને ૩૦૦ જેટલા ઘર ધરાવતું આ ‘તખતગઢ’ ગામ પાણી સમિતિની સક્રિય લોકભાગીદારી, ગ્રામ પંચાયત અને વાસ્મોના સહયોગથી ઘરોમાં ૨૪x૭ કલાક મીટર સાથે પાણી વિતરણ વ્યવસ્થા ધરાવતું ગુજરાતનું પાણી વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ ગામ પ્રસ્થાપિત થયું છે. આટલું જ નહી પણ ગ્રામજનોની સક્રિયતા અને રાજ્ય સરકારના સહયોગથી આ ગામે ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’, ‘શ્રેષ્ઠ ગ્રામ પંચાયત’, ‘નિર્મળ ગ્રામ’ સહિત વિવિધ કુલ-૬ પુરસ્કાર પ્રાપ્ત કરીને ‘મારુ ગામ આદર્શ ગામ’ની સંકલ્પના સાકાર કરી છે.
પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરો તેમજ છેવાડાના ગામડાઓમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા ઘરે ઘરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે આ ગામમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની ભારે તંગી વર્તાતી હતી. ગામના છેવાડાના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા હતી.
આ ગામમાં બે કલાક પાણી વિતરણ કરતા હતા પરતું ગામના છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચતું ન હતું. જેના કારણે ગામની મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન-WASMO દ્વારા જિલ્લામાં યોજવામાં આવતી જુદી-જુદી તાલીમ અને જનજાગૃતિના પરિણામે તખતગઢ ગામને આ મુશ્કેલી દૂર કરવા પાણી સમિતિની રચના કરી લોકભાગીદારીથી કામગીરી હાથ ધરીને ગામમાં પીવાના પાણી માટે ટકાઉ અને લાંબાગાળાની ટેકનોલોજી સાથે અલગ પ્રકારની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો.

ગામમાં ગ્રામસભા, પાણી સમિતિની રચના અને જુદી-જુદી પ્રવૃતિઓ હાથ ધરી દરેક ઘરમાં વોટર મીટરથી પાણી વિતરણ થાય તે માટેનું આયોજન કર્યું અને આ માટે વાસ્મોના ટેકનિકલ-નાણાકીય સહયોગ થકી આ ૨૪x૭ પાણી વિતરણની પાણી પુરવઠા યોજના સાકાર કરવામાં આવી. પાણી સમિતિ દ્વારા તખતગઢ ગામમાં લોકફાળો અને લોકભાગીદારીથી પાણીની ટાંકી, સંપ, પાઈપ લાઈન અને ૩૦૦ જેટલા ઘરોમાં વોટર મીટરના કામો હાથ ધરવામાં આવ્યા છે.

આ યોજના પૂર્ણ થયા બાદ યોજના ટકાઉ બને અને નિયમિત પાણી વિતરણ થાય તે માટે પાણી સમિતિ અને મહિલાઓ દ્વારા વોટર ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિ હજાર લિટર પાણી માટે ૧ રૂપિયો પાણીવેરો લેવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા મીટરના રીડીંગ લઇ તે મુજબ બીલો મોકલવામાં આવે છે. જે મુજબ ગ્રામજનોનું પાણીનું બિલ વાર્ષિક રૂા.૩૦૦ થી ૩૫૦ આવે છે. આજે ગામમાં ૧૦૦ ટકાની આસપાસ વસૂલાત થાય છે જે સરાહનીય છે.
આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ પણ છે કે ગ્રામજનો વેરો ભરવામાં મુશ્કેલી ન પડે, સરળતા રહે અને નિયમિતતા આવે તે માટે પાણી સમિતિએ તમામ કરવેરા ચુકવણી માટે QR કોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ગામના ૯૦ ટકા નાગરિકો ડિજિટલ પેમેન્ટ મારફત પાણીવેરો જમા કરાવે છે.
આ સિવાય ગામમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ઈ-રિક્ષાઓ મારફત કચરો એકત્ર કરવામાં આવે છે ગામ લોકો દ્વારા જાતે જ, લોકભાગીદારી થતી કૃષિ વિકાસ અને પાણીનો સંગ્રહ કરવા માટે ચેક ડેમો, તળાવ અને ખેત તલાવડીઓની પણ કામગીરી કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘કેચ ધ રેઇન’ અભિયાનને સાકાર કરવા ગામમાં અમુક ઘરોમાં વરસાદી પાણી સંગ્રહના ટાંકાઓ બનાવવામાં આવ્યા છે. હવે ગામના ૧૦૦ ટકા ઘરોમાં આ વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકા બનાવવાનો નિર્ધાર કર્યો છે અને આ દિશામાં ગામ લોકો આગળ વધી રહ્યા છે. આ બધી બાબતો બીજા ગામોને પણ પ્રેરણાદાયક સંદેશ આપે છે.

ગ્રામ લોકો અને ગ્રામ પંચાયત દ્વારા પેયજળ અને જળ સંચયની કામગીરીના કારણે ગામમાં ૨૪x૭ પાણી પુરવઠો, વોટર મીટરની સુવિધા ઉપલબ્ધ થઇ છે આ સિવાય ગામના ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો, બોર, કૂવા તળાવના પાણીના સ્તરમાં વધારો, ૧૦૦% ટપક સિંચાઈ, કૃષિ પ્રવૃત્તિઓ અને અર્થવ્યવસ્થાનો વિકાસ જેવા ફાયદા થયેલ છે.

ગ્રામ પંચાયતને અત્યાર સુધીમાં મળેલા એવોર્ડ-કામગીરી

પુરસ્કાર કામગીરી
૧ ગોકુળિયુંગ્રામપુરસ્કાર સ્વચ્છતા, હાઈજિન, પાણી સંચાલન, સિક્ષણ, ડિજિટલ પંચાયત મહિલા સશક્તિકરણ માટે
૨ નિર્મળગ્રામપુરસ્કાર ૧૦૦ ટકા સોચાલય, સ્વચ્છતા માટે
૩ મહિલાપાણીસમિતિસશક્તિકરણપુરસ્કાર પાણી પુરવઠા ક્ષેત્રે ગામમાં મહિલા સમિતિની ઉત્તમ કામગીરી માટે
૪ નાનાજીદેશમુખરાષ્ટ્રીયગૌરવગ્રામસભાપુરસ્કાર ગ્રામસભા માટે
૫ શ્રેષ્ઠગ્રામપંચાયત ગ્રામ પંચાયતની કામગીરી માટે
૬ રાષ્ટ્રીયજળપુરસ્કાર
(પશ્વિમ ઝોન- શ્રેષ્ઠ ગ્રામ પંચાયત) પાણીના વ્યવસ્થાપન અને જળ સંચઈ માટે.

આમ, તખતગઢ ગામ દ્વારા પીવાના પાણીની યોજનાના વ્યવસ્થાપન ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ સાથે જળ સંચયમાં ઉત્તમ કામગીરી કરી જે બીજા ગામો માટે પ્રેરણારૂપ છે, વર્ષ ૨૦૦૨થી કાર્યરત વાસ્મોના મૂળ ઉદ્દેશ સાથે સુસંગત થઇ લોક ભાગીદારી અને લોકાભિમુખ વહીવટની સ્થાપના સાથે પીવાના પાણીની ઉત્તમ સુવિધા ગામે ગામ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કામગીરીને બિરદાવવા, જાણવા અને અભ્યાસ થકી પોતાના વિસ્તારમાં પણ અમલ થાય તે હેતુસર જુદા-જુદા ક્ષેત્રો/ગામોના લોકો તખતગઢની ગામની મુલાકાત લઇ રહ્યા છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!