BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં બોર્ડની પરીક્ષા માટે દરેક બ્લોકમાં CCTV:ભરૂચમાં 33,785 વિદ્યાર્થીઓ માટે 3,577 સ્ટાફ તૈનાત; પરીક્ષાકેન્દ્ર પહોંચવામાં સરળતા માટે હોલ ટિકિટ સાથે QR કોડ અપાશે

સમીર પટેલ, ભરૂચ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10 (SSC) અને 12 (HSC) સામાન્‍ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ 27 મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે જેને લઈને ભરૂચ જિલ્લામાં પરીક્ષાઓ સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં તા.27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી ચાલનાર છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 27 મી ફેબ્રુઆરીથી શરૂ થઈને 17 મી માર્ચ સુધી ચાલનાર છે.ત્યારે જિલ્લામાં ધો.10 માં 22583
વિધાર્થીઓ અને ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 8154 તથા ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ના 3048 મળી કુલ 33785 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.

આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલે જણાવ્યું હતું કે,બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન કુલ 3577 સ્ટાફ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે ખડે પગે રહેનાર છે.આ સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષાપ્રદાન,વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે.બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્‍લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલા છે.જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઇપણ વ્‍યકિત કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફુટેજના આધારે આવી વ્‍યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવનાર છે.વધુમાં, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્‍થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવનાર છે.
જ્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક નવી કામગીરી કરાઈ છે જેમાં વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટ સાથે એક ક્યુઆર કોડ પણ આપવામાં આવશે જેમાં તેઓ મોબાઇલ એપથી તેમના પરીક્ષા કેન્દ્ર પર આશાનીથી પહોંચી શકશે. આ સાથે તેમણે માતા પિતાઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા પણ અપીલ કરી છે સાથે જીલ્લાના તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

Back to top button
error: Content is protected !!