હાલોલ:રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે હાલોલ ખાતે રૂ.૧૦.૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ટાઉનહોલનું ભૂમિપૂજન કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧૨.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ શહેરમાં નવીન ટાઉન હોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હાલોલ શહેરની પ્રજાને સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમની ઉજવણીમાં આર્શીવાદરૂપ બને તેવી તમામ સુવિધાઓથી સજજ નવીન ટાઉન હોલનું ૨૫ હજાર સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીનમાં રૂપિયા ૧૦.૯૫ કરોડ જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે.આજે રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ આગવી ઓળખ ઘટક અંતર્ગત રૂ.૧૦.૯૫ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન ટાઉન હોલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.આ તકે મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર અને અન્ય ઉપસ્થિત મહાનુભવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાસ્ત્રોક વિધિ અનુસાર નવીન ટાઉનહોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ તકે હાલોલ માટે રૂપિયા ૧૫ કરોડ ના ખર્ચે MGVCL ની ૧૧ કેવી લાઇન અંડર ગ્રાઉન્ડ કરવા માટેની જાહેરાત મંત્રી દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પોલીકેબ કંપનીના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી,પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર,ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ સી.કે. ટિંબડીયા, હાલોલ નગર અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ, અગ્રણીઓ, પોલીકેબ કંપનીના સીએસઆર હેડ નીરજભાઈ કુંદનાની અને સ્ટાફ તેમજ મહાનુભાવો સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
















