AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હર્ષોલ્લાસ સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ નગરમાં હનુમાન ફળિયા સ્થિત અતિ પ્રાચીન હનુમાનજીનાં મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર ડાંગ જિલ્લામાં હનુમાન જન્મોત્સવનું પર્વ ભારે ધૂમધામથી મનાવવામાં આવ્યુ હતુ.જેમાં હજારો ભાવિક ભક્તો જોડાયા હતા.વઘઈના હનુમાન ફળિયા ખાતે સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂદેવોના હસ્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ જય શ્રીરામ અને જય બજરંગબલીના નાદ સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. આ રેલી હનુમાન ફળિયાથી શરૂ થઈ અંબામાતા મંદિર, રાજેન્દ્રપુર મંદિર અને નાની વઘઈ થઈને પરત હનુમાન મંદિરે પહોંચી હતી.મંદિરે પહોંચ્યા બાદ હનુમાન દાદાને નાળિયેર, સિંદૂર, અડદ, કાળા તલ અને તેલ અર્પણ કરવામાં આવ્યા હતા. ભક્તોએ આંકડાના ફૂલની માળા પહેરાવીને પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંત ગીરજાનંદ સરસ્વતી અણમોલ મહારાજે હનુમાન ચાલીસાનું ગાન અને રામધૂન કરી હતી.

મુખ્ય વક્તા તરીકે સુરતથી પધારેલા બાલાજી રાજેએ ડાંગ જિલ્લામાં થઈ રહેલા ધર્માંતરણને રોકવા માટે સામૂહિક પ્રયત્નો કરવા આહવાન કર્યું હતુ.આ પ્રસંગે પ્રીતભાઈ પથરીયા (ડાંગ જિલ્લા બજરંગ દળ સંયોજક), વિનીતભાઈ પટેલ (વધઈ બજરંગદળના સંયોજક), સમાજ સેવક મયુરભાઈ પટેલ અને બ્રિજેશભાઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અહી વક્તાઓએ આપણી સનાતન સંસ્કૃતિને જાળવવા, ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, સામાજિક સમરસ્તા અને ભારતીય નાગરિક તરીકે દેશધર્મ માટેના કર્તવ્યો વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.સમગ્ર વાતાવરણ જય શ્રીરામના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.આયોજક મિત્રો દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી હિન્દુત્વ અને ધર્મના કાર્ય માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!