શહેરા નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી: સીતારામ પરિવાર દ્વારા આયોજિત શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

પંચમહાલ શહેરા:
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા નગરમાં હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે સીતારામ પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું પ્રસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યું હતું, જે નગરના મુખ્ય માર્ગો જેવા કે મેન બજાર, સિદ્ધિ ચોકડી, બસ સ્ટેશન રોડ અને હોળી ચકલા થઈને રામજી મંદિર ખાતે પરત ફરી હતી. રામજી મંદિર ખાતે ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં નગરના દરેક સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાતાવરણ ‘જય શ્રી રામ’ તથા ‘જય હનુમાન’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પી.આઈ. દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રાના અંતે તમામ ભક્તો માટે પ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર ઉત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.







