
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ અને ભિલોડા તાલુકાના આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત
અંતરિયાળ વિસ્તારમાં આવેલા મેઘરજ અને ભિલોડા તાલુકાના આરોગ્ય કેન્દ્રોએ રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તાની ખાતરી આપતા National Quality Assurance Standards (NQAS) હેઠળ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. મેઘરજ તાલુકાનું આયુષ્માન આરોગ્ય મંદિર (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) – શણગાલ ને 81.25% અને ભિલોડા તાલુકાનું પેટા આરોગ્ય કેન્દ્ર – બુધરાસણ ને 83.87% ગુણ સાથે કેન્દ્ર સરકાર દ્વારા NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ક્વોલિટી મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ શક્ય બની છે. દિલ્હીથી NHSRCની ટીમ દ્વારા આ બંને આરોગ્ય કેન્દ્રોનું NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં તેમની તમામ સેવાઓ અને માપદંડો ઉપર શ્રેષ્ઠ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાનું જણાયું. આ બંને કેન્દ્રોએ ગુણવત્તાના તમામ માપદંડોમાં સફળતા પ્રાપ્ત કરી છે, જેના પરિણામે આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર મળ્યું છે.આયુષ્માન આરોગ્ય મંદિર-શણગાલ અને પેટા આરોગ્ય કેન્દ્ર-બુધરાસણ આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સલામત આરોગ્ય સેવાઓનો વિશ્વસનીય આધાર બન્યા છે. આ સફળતા મેઘરજ અને ભિલોડા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી, મેડિકલ ઓફિસર ડો. જોય મોડીયા, ડો. દીક્ષિત પટેલ, ડો. ધ્રુમિલ પટેલ, આયુષ તબીબ નિલેશ રાવ, સીએચઓ પટેલ સ્નેહલબેન અને સમગ્ર ગ્રામ્ય સ્તરની આરોગ્ય ટીમની સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને ગુણવત્તાપૂર્ણ સેવાઓનું પરિણામ છે.આ સિદ્ધિ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના ઉન્નતીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે સ્થાનિક લોકો માટે સ્વાસ્થ્યની ગુણવત્તાયુક્ત સેવાઓની ખાતરી આપે છે.





