સબજેલના કેદીનું સારવાર દરમિયાન મોત:લૂંટના આરોપી રામલાલ કંજરને ભરૂચ સિવિલમાં દાખલ કરાયો હતો, પેનલ પીએમની કાર્યવાહી શરૂ


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને લૂંટના કેસના આરોપી રામલાલ કંજરનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
એક વર્ષ પહેલા નેશનલ હાઇવે 48 પર ટ્રક ચાલકોને નિશાન બનાવી લૂંટનો ગુનો આચરવામાં આવ્યો હતો. આ કેસમાં ભરૂચ LCB ટીમે આરોપી રામલાલ કંજરની ધરપકડ કરી હતી. તેને પ્રથમ બી ડિવિઝન પોલીસ મથકે તપાસ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ભરૂચ સબજેલમાં મોકલવામાં આવ્યો હતો.
જેલમાં રામલાલની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃત્યુના કારણની તપાસ માટે અંકલેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપી અને બી ડિવિઝન પીઆઈ વી.યુ.ગડરિયા ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાંત અધિકારી મનીષા મનાણીની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૃત્યુના સાચા કારણની તપાસ ચાલુ છે.



