નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત આરોગ્ય વિભાગની બેઠકો યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૩: નવસારી જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ છણાવટ કરતા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ વિવિધ વિભાગોની કામગીરીની સમિક્ષા કરી હતી. તેમણે અધ્યક્ષસ્થાનેથી નાની ઉમરે કરાતા લગ્ન રોકવા લોકોને અસરકારક કાઉન્સેલિંગ કરવા, કુપોષણ જેવી સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ કેળવી માતાઓને પોષણયુક્ત આહાર અને સ્વચ્છ જીવનશૈલી અંગે જાગૃત કરવા, શહેરમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા ફોગીંગ સહિત જરૂરી પગલા લેવા, સરકારી કચેરીમાં પબ્લીક દિવસોમાં તમાકુ ખાતા લોકો પાસે દંડ ઉઘરાવવા તથા શાળા અને કોલેજમાં વિવિધ વિભાગના સંકલન સાથે તમાકુના ઉપયોગ અને વેચાણ અંગે આકસ્મિક ચેકીંગ હાથ ધરવા સંબંધિત વિભાગને સુચના આપી હતી.
આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત સંચારી રોગ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ, માતા મરણ, બાળ મરણ, સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ જેવી શાખાઓની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગના પ્રતિનિધિ દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી તમામ બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના ઉચ્ચ અધિકારીશ્રી-કર્ચચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




