નર્મદા: ફાઈલેરિયા નિયંત્રણ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા રાત્રિ સર્વે : નાગરિકોના બ્લડ સેમ્પલ એકત્રિત કર્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા. 15 સપ્ટેમ્બરના રોજ ફાઈલેરિયા (હાથીપગો) નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત દેડીયાપાડા તાલુકામાં વ્યાપક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોલિયા હેઠળના સબ સેન્ટર ઘાંટોલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખૈડીપાડાના તાબદા ગામે આરોગ્ય ટીમોએ રાત્રિના સમયે નાગરિકો સાથે સંપર્ક અને સંવાદ સાધી બ્લડ સેમ્પલ લીધા હતા.
ફાઈલેરિયા રોગ મચ્છરના ડંખથી ફેલાતો એક ગંભીર ચેપજન્ય રોગ છે. નાગરિકોના બ્લડ સેમ્પલ એકત્રિત કરીને તેનો માઈક્રોફિલેરિયા પરીક્ષણ થકી સમયસર નિદાન કરી આગળની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે.
નાગરિકોના સહકારથી ફાઈલેરિયા નિયંત્રણ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સતત સર્વેલન્સ, સેમ્પલ ચકાસણી અને દવાના સેવન અભિયાન અમલમાં મૂકવામાં આવે છે. આ પ્રકારના સર્વે દ્વારા રોગના કેસો ઝડપથી શોધી સારવાર આપી હાથીપગા જેવી ગંભીર પરિસ્થિતિ અટકાવવામાં મદદ મળી રહે છે.
જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે, આવા આરોગ્ય કાર્યક્રમોમાં સહકાર આપે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનનું યોગ્ય પાલન કરે, જેથી “ફાઈલેરિયા મુક્ત નર્મદા”નું લક્ષ્ય હાંસલ કરી શકાય.
આ કામગીરી દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગના ADHO, DMO, ADMO, મલેરીયા સુપરવાઈઝર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી (THS) અને સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમોએ ગ્રામજનોને ફાઈલેરિયા રોગ અંગે જાગૃતિ લાવવા સાથે બચાવના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.