Gondal: ગોંડલ ખાતે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા “પૂર્ણા યોજના” અંતર્ગત કિશોરીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ૧૩૦૦ કિશોરીઓના આરોગ્યની કરાઈ તપાસ

તા.૨૯/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પોષણયુક્ત આહારની સમજ સાથે કાયદાકીય અને વ્યવસાયિક તાલીમ આપીને આત્મનિર્ભર બનવાની અપાઈ પ્રેરણા
Rajkot, Gondal: “સુપોષિત કિશોરી, સશક્ત ગુજરાત”ની નેમને પુરી કરવા માટે રાજકોટ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પાયારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને શ્રી લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ ગોંડલ સંચાલિત શ્રીમતિ યુ.એલ.ડી. શૈક્ષણિક સંકુલ ખાતે ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આઈ.સી.ડી.એસ વિભાગના ગોંડલ ઘટક – ૧ દ્વારા “પૂર્ણા યોજના” સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીબેન નાથજીએ કિશોરીઓને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ અને માતાઓ માટે કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે જાણકારી આપી હતી, તેમજ ઉપસ્થિત સૌને સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે કિશોરીઓને રોજીંદા જીવનમાં મિલેટ્સ અને વિટામીનથી ભરપુર પોષણયુક્ત આહારનું સેવન કરવા કહ્યું હતું.
વધુમાં શાળાની આશરે ૧300 કિશોરીઓના હિમોગ્લોબીન,બી.એમ.આઈ.,ઉંચાઈ,વજન સહિત આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તેમજ કિશોરીઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા સાથે જીવન કૌશલ્ય, કાયદાકીય માહિતી અને વ્યાવસાયિક તાલીમ, સ્થાનિક ઉપલબ્ધ જાહેરસેવાઓની માહિતી પૂરી પાડી હતી. તેમજ “એનિમિયા મુક્ત ભારત” પ્રોગ્રામ અંતર્ગત એનીમિયાની સમજ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કિશોરીઓને સક્ષમ બનાવવા માટે દરેક આંગણવાડીમાં મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં સંકલિત બાળ વિકાસ સેવા હેઠળ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને પોષણયુક્ત આહાર માટે દર મહિને પૂર્ણાશક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે. જે કિશોરીઓના સ્વસ્થ શરીર નિર્માણમાં મદદરૂપ સાબિત થાય છે.
આ કાર્યક્રમમાં પ્રાંત ઓફિસર ગોંડલ શ્રી રાહુલ ગમારા, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા, ટી.એચ.ઓ.શ્રી ડો.ગોયલ, શ્રીમતી યુ.એલ.ડી શૈક્ષણિક સંકુલના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ ધડુક, ઉપપ્રમુખ શ્રી કચરાભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ વેકરીયા, શ્રી કાંતીભાઈ સરધારા, શ્રી કિશોરભાઈ ભાલાળા, શ્રી કુરજીભાઇ વિરડીયા, શ્રી અમૃતભાઈ ઠુંમર સહિત આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







