વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૬ સપ્ટેમ્બર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓ તથા બાળકોએ લાભ લીધો હતો. આ સાથે રાપર નગરપાલિકાના કર્મચારીઓના ફિટનેસ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું“સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું”ની ઉજવણી અંતર્ગત કચ્છમાં આયુષ્માન આરોગ્ય મંદિરો (AAMs), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરો (UPHC/UAAM), સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરો યોજાઇ હતી. કટારીયા, સુખપર, રામપર, દયાપર, સામખીયાળી ગામ તથા ભચાઉ તથા રાપર પાલિકા ખાતે આરોગ્ય શિબિરોમાં નગરપાલિકા કર્મચારીઓની ફીટનેશ સાથે મહિલાઓના આંખ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, કેન્સર (મોં, સ્તન, ગર્ભાશય)ની ચકાસણી, રસીકરણ સેવાઓ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ (ટીબી), સિકલ સેલ એનિમિયા ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા-પીવાની રીતો અપનાવવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. દયાપર ખાતે ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ (MCP) કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નોંધણી, આયુષ્માન વય વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સહિતની કામગીરી પણ કરાઇ હતી.