વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં ગત સોમવાર રાત્રિના અરસામાં વાદળ ફાટવાની વિનાશક ઘટનાથી ભારે પૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતુ.આ કુદરતી આફતમાં વઘઈ તાલુકાના અનેક ગ્રામ્ય માર્ગોની સાઈડ અને કોઝ-વેને એપ્રોચને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે.જોકે, ડાંગ જિલ્લા પંચાયત, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, આહવા-ડાંગ દ્વારા કાર્યપાલક ઇજનેર બી.એમ.પટેલનાં માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેર ટી.આઈ. પટેલ અને મદદનીશ ઈજનેર પ્રતિકભાઈ ગાવીત અને રસિકભાઈ ચૌધરીની ટીમે તાત્કાલિક ધોરણે સમારકામ અને પુનઃસ્થાપનાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી છેવાડેનાં ગામડાઓનો વાહનવ્યવહાર પૂર્વવત્ કરી શકાય.વાદળ ફાટવાની ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ હસ્તકનાં રસ્તાઓ પૈકીના કુડકસથી કોસીમપાતાળ રોડ પર ગંભીર અસર થઈ છે. ખાસ કરીને દાબદર ગામ પાસે અને કુડકસ ગામ પાસે આવેલા બે મુખ્ય પુલો (મેજર બ્રિજ) ના બંને બાજુના એપ્રોચ સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, વઘઈનાં નાયબ કાર્યપાલક ઈજનેર ટી.આઈ.પટેલની ટીમે તાબડતોબ મરામત કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.આ કામગીરી માટે તાત્કાલિક ધોરણે ૫ જેસીબી, ૬ ડમ્પર, અને ૧૧ ટ્રેક્ટર જેવી જરૂરી મશીનરી તથા માનવબળનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ટીમોએ ‘રાઉન્ડ ધ ક્લોક’ કામગીરી કરીને અત્યાર સુધીમાં કુલ ૫૬ ફેરા ડમ્પર, ૩૪ ફેરા ટ્રક અને ૧૩૨ ફેરા ટ્રેક્ટરનો ઉપયોગ કરીને પુલોના એપ્રોચને પૂર્વવત્ કરવાની કામગીરી પૂર્ણતાને આરે પહોંચાડી દીધી છે.
પૂરના કારણે વઘઈ તાલુકાના અનેક માર્ગો પર ભૂસ્ખલન (લેન્ડ સ્લાઇડ), ઝાડ પડવાની ઘટનાઓ, અને રસ્તા/પુલના એપ્રોચ ધોવાણ જેવી નુકસાની થવા પામી હતી. અસરગ્રસ્ત માર્ગોમાં મુખ્યત્વે:(૧) સુપદહાડ સૂર્યબરડા રોડ, (૨) કુંડા ચિંચોડ સિલોટમાળ રોડ,( ૩) વઘઈ દોડીપાડા ભેંડમાળ રોડ, (૪) દોડીપાડા બરડા રોડ, (૫) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૬) દોડીપાડા ચીકાર ફળિયા રોડ, (૭) કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, (૮) બાજ ગામે સ્કુલ પાસેનો રોડ, અને (૯) ચિંચોડ ભદરપાડા રોડનો સમાવેશ થાય છે.કાર્યપાલક ઇજનેર બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ,પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ,વઘઈની ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી જેસીબી, ટ્રેક્ટર અને માનવબળનો ઉપયોગ કરીને પડેલા ઝાડ દૂર કરવા, ઘસી પડેલ ભેખડો દૂર કરવી અને જરૂરી પુરાણની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવી છે. પરિણામે, આ તમામ બંધ થયેલા રસ્તાઓ વાહનવ્યવહાર અને ગ્રામજનોની અવરજવર માટે સત્વરે કાર્યરત કરી દેવાયા છે, જેનાથી વઘઇ તાલુકાનાં ગ્રામજનોને મોટી રાહત મળી છે.આફતની કામગીરીની સાથેસાથે, પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વઘઈ તાલુકાના અન્ય મહત્વના માર્ગો પર પણ નિયમિત જાળવણી અને સુવિધા વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં (૧) કાલીબેલ બરડીપાડા રોડ,( ૨) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૩) બાજ મલીન રોડ,( ૪) ગિરાધોધ એપ્રોચ રોડ, (૫) વાઘમાળ લવાર્યા રોડ, અને (૬) વઘઈ કોલોની રોડ જેવા માર્ગો પર જંગલકટિંગ, ગેરુચૂનો લગાવવા, અને જરૂરિયાત મુજબ મેટલ તથા ડામર પેચવર્ક જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.વઘઈ તાલુકાની ટીમો દ્વારા જેસીબી, ડમ્પર, રોલર અને માનવબળનો ઉપયોગ કરીને આ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે, જેથી આ રસ્તાઓ પણ વાહનવ્યવહાર માટે વધુ સુલભ અને સુરક્ષિત બની શકે.સમગ્ર ડાંગ જિલ્લામાં કુદરતી આફત સામે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા આ યુદ્ધના ધોરણે થયેલી કામગીરી પ્રશંસાને પાત્ર છે, જેનાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી સામાન્ય સ્થિતિ સ્થાપિત થઈ રહી છે.વઘઇ તાલુકાનાં છેવાડેનાં અસરગ્રસ્ત માર્ગોની યુદ્ધનાં ધોરણે મરામત કરાતા ડાંગી જનજીવને પણ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરી બિરદાવી છે..