સાંસ્કૃતિક જાગૃતિ, ઐતિહાસિક વારસાનું સંરક્ષણ અને આપણા વારસામાં ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. ૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છોટાઉદેપુર મેરેથોનના ભાગરૂપે બોડેલી તાલુકાના ઝંડ હનુમાન મંદિર ખાતે આ હેરિટેજ વોક યોજાઈ હતી.
પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઝંડ હનુમાન મંદિરના ગેટથી ભીમની ઘંટી સુધી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકનો મુખ્ય હેતુ જનતામાં સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવી, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ કરવું તેમજ આપણા વારસામાં ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
આ હેરિટેજ વોકને મદદનીશ કલેક્ટરશ્રી મુસ્કાન ડાગર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વન સંરક્ષક રૂપક સોલંકી, નાયબ કલેક્ટર અનિલ હળપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સેજલ સંગાડા, બોડેલી પ્રાંત અધિકારી ભુમિકા રાઓલ, બોડેલી મામલતદાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા “વિકાસ ભી, વિરાસત ભી”નો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આવનારી પેઢીઓ માટે વારસાનું સંરક્ષણ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.