
સમીર પટેલ, ભરૂચ
લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી.
આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી મન ફાવે તેવું વ્યાજ લઇ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે. બે પાંચ ટકાની સામે દસથી વીસ ટકા વ્યાજ વસુલી આ ધીરદારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે. ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અક્લેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.જી. ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની 2 મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઈમનો ભોગ ન બનાવે તે માટે પી આઈ પી.જી. ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરીયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો.




