Rajkot: પ્રાંસલામાં યોજાયું ઐતિહાસિક લાઈવ સેટેલાઈટ ડેમોસ્ટ્રેશન!

તા.૨/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૧૨ હજાર વિદ્યાર્થીઓએ એકસાથે માણ્યો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે સેટેલાઇટ સંચારનો અનોખો અનુભવ
અંતરિક્ષ યાત્રીઓ અને હેમ રેડિયો વિશે માહિતી અપાઈ : વૈશ્વિક સિદ્ધિ હોવાની સંભાવના
Rajkot: ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામે વિજ્ઞાન અને અંતરિક્ષ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવનારો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. વેદિક મિશન ટ્રસ્ટ આયોજિત રાષ્ટ્રીય કથા શિબિર દરમિયાન AMSAT-INDIA ના રિજનલ કો-ઓર્ડિનેટર તથા અનુભવી એમેચ્યોર સેટેલાઇટ ઓપરેટર શ્રી રાજેશ વાગડિયા VU2EXP દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે લાઈવ સેટેલાઇટ કોમ્યુનિકેશનનું સફળ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું.
આ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન AMSAT-INDIA અને UPARC (ISRO) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વેદિક મિશન ટ્રસ્ટનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો. ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના સવારે ૮ વાગ્યાથી જ ૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિસ્ત અને ઉત્સાહ સાથે એકત્રિત થયા હતા, જે અદભુત અને યાદગાર દૃશ્ય હતું.
અંતરિક્ષ યાત્રીઓ અને હેમ રેડિયો વિશે રસપ્રદ માહિતી
કાર્યક્રમ દરમિયાન શ્રી રાજેશ વાગડિયાએ વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ ભાષામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) શું છે, તેનું મહત્વ શું છે, અવકાશ યાત્રીઓ ત્યાં કેવી રીતે રહે છે, ARISS કાર્યક્રમ, ISS પર કાર્યરત એમેચ્યોર રેડિયો ક્રોસ-બેન્ડ રિપિટર અને ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રિ સુનિતા વિલિયમ્સ તથા શુભાંશુ શુક્લા વિશે માહિતગાર કર્યા હતાં. સાથે સાથે વિદ્યાર્થીઓને હેમ રેડિયો, સેટેલાઇટ સંચાર પ્રણાલી, ફીક્વન્સી, અપલિંક-ડાઉનલિંક, ડોપ્લર ઇફેક્ટ જેવા ખ્યાલો સરળ ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યા હતાં. આ તમામ માહિતી વિદ્યાર્થીઓ માટે નવી અને અત્યંત રોમાંચક હતી.
૨૮,૦૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફરતા ISS સાથે સીધો સંપર્ક
ગત ૨૯ ડિસેમ્બરની સવારે ૮:૪૭ વાગ્યે ISS પ્રાંસલા-ગુજરાત ઉપરથી પસાર થતું હતું, ત્યારે સેટેલાઇટ નિષ્ણાત શ્રી રાજેશ વાગડિયાએ પોતાના પોર્ટેબલ સેટેલાઈટ ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા ISS ના એમેચ્યોર રેડિયો રિપિટર પર CQ કોલ આપ્યા. થોડા જ સમયમાં ડો. કિશોર VU2MZT (મહારાષ્ટ્ર) તરફથી સિગ્નલ સ્વરૂપે પ્રતિસાદ મળતા જ સમગ્ર મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું. P.A. ઓડિયો સિસ્ટમ દ્વારા ISS પરથી આવતો અવાજ તમામ વિદ્યાર્થીઓ જીવંત રીતે સાંભળી શકતા હતાં, જે તેમના માટે પ્રથમ અનુભવ હતો.
ત્યારબાદ રાજેશભાઈનો અશોકભાઈ VU2KYZ (સુરત) સાથે 59 રિપોર્ટ સાથે સફળ સંપર્ક થયો અને અંતમાં અમરભાઈ VU2AAP (હૈદરાબાદ) સાથે પણ સંપર્ક થયો. આ રીતે ISS સેટેલાઈટના માધ્યમથી ત્રણ સંપર્ક સફળતાપૂર્વક કરવામાં આવ્યા. ૪૦૦ કિલોમીટર ઉપર અને ૨૮,૦૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરતા ISS દ્વારા થયેલા આ લાઈવ સંપર્કો વિદ્યાર્થીઓ માટે જીવનભર યાદ રહે એવો અનુભવ બની ગયો હતો.
૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં, ખુલ્લા મેદાનમાં, સંપૂર્ણ શિસ્ત અને સફળતા સાથે યોજાયેલું આ લાઈવ ISS સેટેલાઇટ સંચાર પ્રદર્શન કદાચ વિશ્વસ્તરે અને વિજ્ઞાન ક્ષેત્રમાં દુર્લભ અને વિક્રમી ઘટના હોવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, આ લાઈવ ડેમોસ્ટ્રેશન રાજકોટના શ્રી રાજેશ વાગડિયાની ઊંડી ટેક્નિકલ સમજ, અનુભવ અને સચોટ આયોજન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે UPARC (ISRO)ના પ્રમુખ શ્રી બાલાજીભાઈ (VU2JEL) અને શ્રી અમિતભાઈ (VU34AK), AMSAT-INDIA ના સેક્રેટરી શ્રી નિતિનભાઈ (VU2JEK) તેમજ વેદિક મિશન ટ્રસ્ટના આચાર્ય શ્રી ધર્મબંધુજી સ્વામી તરફથી સહકાર અને માર્ગદર્શન મળ્યું છે. મિલિટરી, B.S.F. અને સ્વયંસેવકોના સહયોગથી ૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓમાં શાંતિ, શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ હતી.
નોંધનીય છે કે આ ડેમોસ્ટ્રેશન બદલ આંતરરાષ્ટ્રીય ARISSના ચેરમેન Frank Bauer, ગગન મિશનના અવકાશયાત્રી શ્રી અંગદભાઈ પ્રતાપ, AMSAT-UK, ISROના સાયન્ટિસ્ટ, GIAR ના શ્રી જગદીશભાઈ પંડ્યા, શ્રી પ્રવીણભાઈ વાલેરા તેમજ ભારત અને વિશ્વના અનેક હેમ તેમજ સેટેલાઈટ ઓપરેટર તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
આમ, આ પ્રકારના કાર્યક્રમો માત્ર ડેમો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, અંતરિક્ષ અને ટેક્નોલોજી પ્રત્યે નવી દિશા અને સપના આપતા પ્રેરણાસ્ત્રોત છે. AMSAT-INDIA અને UPARC (ISRO) જેવી સંસ્થાઓના માર્ગદર્શન અને શ્રી રાજેશ વાગડિયા જેવા નિષ્ણાતોના પ્રયાસોથી, અંતરિક્ષ હવે વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકથી બહાર આવીને જીવંત અનુભવ બનતું જાય છે.








