
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ – કુડોલ ઘાંટા પાસે હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનની ટક્કરે 51 વર્ષીય વ્યક્તિનું મોત, અકસ્માતમાં મૃતકની ખોપડી ફાટી ગઈ
મેઘરજ તાલુકાના કુડોલ ઘાંટા ગામની સીમમાં શણગાલથી કુડોલ તરફ જતા ડુંગરિયા રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. તા. ૦૧/૦૧/૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૮:૩૦ થી ૧૦:૦૦ વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારી એક વ્યક્તિને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં કોલુન્દ્રા ગામના રહેવાસી ફરી. ના પિતા ઉદાભાઈ કાનાભાઈ વડેખ (ઉંમર ૫૧) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ખોપરી ફાટી ગઈ હતી અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે મૃતકના પુત્ર વિનોદભાઈ ઉદાભાઈ જાતે વડેખ (ઉંમર ૨૮, ધંધો મજૂરી કામ, રહે. કોલુન્દ્રા પ્રાથમિક શાળા પાસે, તા. મેઘરજ, જી. અરવલ્લી) દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકો દ્વારા જાહેર માર્ગ પર વધતી બેદરકારીપૂર્વકની વાહન ચાલન પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ટીંટોઈ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અજાણ્યા વાહન ચાલકને શોધવા તપાસ તેજ બનાવવામાં આવી છે.




