
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
હિટવેવની આગાહી : અરવલ્લી જીલ્લામાં હિટવેવની આગાહીના પગલે માર્ગદર્શિકા જાહેર.લોકોને લુ થી બચવા માટેના ઉપાયો અને અગમચેતી દર્શાવાયા.
રાજ્યમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિખનાં માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.
હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો, રેડિયો સાંભળો, ટી.વી જુઓ, અથવા હવામાન વિષેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. વાઈ, હ્રદય, કીડની કે યકૃત સંબધિત બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહી ની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ લેવી. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો.વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો.જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્કીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ. બરફના પેક, પ્રાથમિક સારવારની પેટી ની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સૂર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો.જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ એચ. પરમાર તથા ટીમ દ્વારા હિટવેવ અંગેની સતર્કતા અને આરોગ્યલક્ષી માહિતી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પહોંચાડવા પ્રયત્નશીલ કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ તથા અન્ય જોડાયેલ વિભાગોને પણ સક્રિય ભાગીદારીની અપીલ કરવામાં આવી છે.






