
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં પવિત્ર હોળી પર્વની ભવ્ય ઉજવણી, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં હોલિકા દહન યોજાયું
અરવલ્લી જિલ્લામાં પવિત્ર હોળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ તાલુકાના જીતપુર ગામે પરંપરાગત રીતે વિધિપૂર્વક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. તેમજ આજુબાજુના વિવિધ ગામડાઓમાં પણ હોલિકા દહન જોવા મળ્યું હતું ધાર્મિક આસ્થા અને ઉત્સાહ વચ્ચે ગ્રામજનો મોટી સંખ્યામાં હોળી માતાના દર્શન કરવા ઉમટ્યા હતા.હોલિકા દહન પ્રસંગે અબાલ વૃદ્ધ સહિત મહિલાઓ, યુવાનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ગ્રામજનોએ હાથમાં ધાણી લઈને જય અંબેના નાદ સાથે હોળી માતાની પ્રદક્ષિણા કરી અને પરિવાર તથા ગામના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.સ્થાનિક માન્યતા મુજબ હોળીની જારોડ નિહાળી આવનાર ચોમાસું કેવું રહેશે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. ગ્રામજનો દ્વારા સારા વરસાદ અને સુખાકારીની કામનાઓ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર હોલિકા દહન અને હોળી પર્વની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઉત્સવી માહોલ જોવા મળ્યો હતો.





