AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ચિરાપાડા ગામનાં વતની અને આંતરરાષ્ટ્રીય પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડનું કોસમાળમાં સન્માન..

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચિરપાડા ગામના વતની અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારનાર પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડનો સન્માન સમારોહ તાજેતરમાં કોસમાળની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમનું આયોજન શાળાની SMC કમિટી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી.શાળાના શિક્ષક નિલેશ પટેલે ભોવાનભાઈ રાઠોડની સિદ્ધિઓ વિશે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને માહિતી આપી.ત્યારબાદ ગ્રામજનોએ આદિવાસી સંસ્કૃતિના પ્રતીક એવા ફાળિયાથી તેમનું સ્વાગત કર્યું. શાળા પરિવારે પુષ્પગુચ્છ અને ઇન્ડિયન ફ્લેગ આપીને તેમનું સન્માન કર્યું, અને ભોવાનભાઈને આદિવાસી વારલી ચિત્રકલાવાળી સ્મૃતિભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભોવાનભાઈ રાઠોડે તેમના પર્વતારોહણના સંઘર્ષમય જીવનના અનુભવો અને સફળતાઓ વિશે વાત કરી. તેમણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પ્રેરણા આપતા કહ્યું કે, જીવનમાં ક્યારેય હિંમત હારવી ન જોઈએ. દરેક મુશ્કેલીને પડકાર તરીકે સ્વીકારીને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે સમજાવ્યું કે પર્વતારોહણ માત્ર એક રમત કે સાહસ નથી, પરંતુ તે એક જીવનશૈલી છે જેમાં મહેનત, ધીરજ, શિસ્ત અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. તેમણે યુવાનોને મોટા સપના જોવા અને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરવા અનુરોધ કર્યો.આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત કરંજ અને અર્જુન સાદડના રોપાઓનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કોસમાળ શાળાના આચાર્ય વિમલભાઈ પટેલે ભોવાનભાઈ રાઠોડને ભવિષ્યમાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં SMC સમિતિના અધ્યક્ષ સંજયભાઈ ચોર્યા અને જાગૃતિબેન ગાંગોડા સહિત તમામ સભ્યો, આરોગ્યકર્મીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં, શાળાના શિક્ષક ભરતભાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!