આમોદમાં નવજાતને ત્યજવાના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો:15 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યા બાદ લોહીલુહાણ હાલતમાં ગલીમાં મૂકી દીધી, હાલ બન્ને સારવારમાં


સમીર પટેલ, ભરૂચ
આમોદ શહેરમાં નવજાત બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માત્ર 15 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યા બાદ લોહીલુહાણ હાલતમાં ગલીમાં મૂકી ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય સ્ત્રોતોના આધારે સગીરાની શોધખોળ કરી હતી.
સોમવારે બપોરના સમયે આમોદના દરબારગઢ વિસ્તારમાં આવેલી મકાનની પાછળની ગલીમાં લોહીલુહાણ હાલતમાં નાની બાળકી મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકીને ત્યાં મૂકી ફરાર થઈ જતાં ભાડુઆતોએ મકાનમાલિક અને આસપાસના રહીશોને જાણ કરી હતી.
થોડા જ સમયમાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતાં બાળકીને તાત્કાલિક આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત નાજુક જણાતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો તથા દવાખાનાઓમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સગીરાની ઓળખ થઈ હતી. સગીરા માતાની તબિયત પણ લથડી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે.
આમોદ પોલીસે સગીરાનું નિવેદન લીધું છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. બાળકીને કેવી પરિસ્થિતિમાં ત્યજી દેવાઈ હતી અને સગીરા સાથે અન્ય કોઈ શખ્સો સંકળાયેલા છે કે નહીં એ દિશામાં પણ પોલીસે તપાસ ગતિમાન કરી છે.



