AHAVADANGGUJARAT

ડાંગ દરબારના સ્ટોલના ભાડા અને લાઈટ બિલ મુદ્દે ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ અમલ કરવા તંત્રને નમ્ર રજૂઆત કરી..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમાન ‘ડાંગ દરબાર-૨૦૨૬’ના આયોજનની તૈયારીઓ વચ્ચે સ્ટોલના ભાડા અને લાઈટ બિલના દરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.આ મેળામાં વર્ષોથી વ્યાપાર કરી રોજગારી મેળવતા સ્થાનિક અને બહારના નાના-મોટા વેપારીઓ માટે હાલના ભાડાના દરો અને વીજળીના નિયમો આર્થિક રીતે બોજારૂપ સાબિત થઈ રહ્યા છે. આ બાબતે આહવા ગામના વેપારીઓ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે આગામી ડાંગ દરબારમાં આહવા ગ્રામ પંચાયત દ્વારા પસાર કરવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ જ ભાડાના દરો નક્કી કરવામાં આવે.આહવા ગ્રામ પંચાયત દ્વારા ગત તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મળેલી ગ્રામસભામાં લોકશાહી ઢબે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ મુજબ, સ્થાનિક આદિવાસી અને અન્ય વેપારીઓ માટે સ્ટોલનું ભાડું ₹૨,૦૦૦ અને બહારથી આવતા વેપારીઓ માટે ₹૩,૦૦૦ નક્કી કરવામાં આવ્યું છે. વેપારીઓની મુખ્ય માંગણી છે કે વહીવટી તંત્ર પ્લોટની ફાળવણી કરતી વખતે આ પંચાયતના ઠરાવની ગરિમા જાળવે અને તે મુજબ જ વસૂલાત કરે. જો ભાડાના દરો વ્યાજબી રહેશે, તો જ ડાંગના સ્થાનિક નાના વેપારીઓ વધુ સંખ્યામાં ભાગ લઈ શકશે અને તેમને આર્થિક પ્રોત્સાહન મળી રહેશે.વધુમાં, વેપારીઓએ લાઈટ બિલના વર્તમાન નિયમો સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે વીજળીના હાલના દરો વેપારીઓ માટે અત્યંત અન્યાયી છે, જેમાં તાત્કાલિક સુધારો કરી આર્થિક ભાર ઓછો કરવો જોઈએ. ખાસ કરીને એવા સ્થાનિક વેપારીઓ કે જેમને વીજળીના જોડાણની જરૂર નથી, તેમને ફરજિયાત કનેક્શન લેવા માટે દબાણ ન કરવા વિનંતી કરવામાં આવી છે. મનીષભાઈ મારકણા (દેવલપાડા) અને અમરનાથ જગતાપ (મિશનપાડા) સહિતના અરજદારોએ આશા વ્યક્ત કરી છે કે કલેક્ટર આ બાબતે અંગત રસ લઈ વેપારીઓના હિતમાં હકારાત્મક નિર્ણય લેશે અને વ્યાજબી દરો નક્કી કરવા સંબંધિત વિભાગને જરૂરી આદેશો આપશે..

Back to top button
error: Content is protected !!