GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૨૦/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સોશિયલ મીડિયાના માધ્યમથી નાર્કોટિક્સ ડ્રગ્સના વેચાણ, અન્ય રાજ્યમાંથી કુરિયરમાં આવતા પાર્સલ, ટ્રક પર વોચ રાખવા સૂચના

Rajkot: પોલીસ કમિશનર (ઈ.ચા.) શ્રી મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં આયોજિત નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં અન્ય રાજ્યમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ આવવાની સંભાવનાને ધ્યાને લઈ પોલીસ વિભાગ દ્વારા કુરિયરમાં આવતા પાર્સલ તેમજ ટ્રક પર વોચ રાખવા કમિશ્નરશ્રીએ સૂચના આપી હતી.

ડ્રગ્સ વેચાણ કર્તા દ્વારા સિન્થેટિક પ્રકારના ડ્રગ્સના ઓનલાઇન વેચાણની સંભવનાને ધ્યાને લેતા સોશિયલ મીડિયા પર વોચ રાખવા સાયબર ક્રાઇમ વિભાગને સતર્ક રહેવા શ્રી બગડિયાએ સૂચના આપી હતી.

પોલીસ કમિશનરશ્રીએ શ્રમિક કે ઔદ્યોગિક વિસ્તાર, શાળા,કોલેજમાં નશાકારક દ્રવ્યોથી દૂર રહેવા માટે અમલમાં મુકાતા જનજાગૃતિ અભિયાનને અસરકારક રીતે રજુ કરવા ખાસ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નાર્કોટિક્સના આરોપી અન્ય કોઈ ક્રાઇમ સાથે સંકળાયેલા છે કે નહીં તેને પણ ઇન્વેસ્ટિગેશનમાં ખાસ આવરી લેવા ભાર મુક્યો હતો.

એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત ક્રાઈમ વિભાગના ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવાએ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં શાળા, કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમ ઉપરાંત ગાંજાનુ વેચાણ કરતા ૪ કેસમાં ૬ આરોપી વિરુદ્ધ, તેમજ શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તંબાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ કરવામાં આવેલા કેસની વિગત પુરી પાડી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોપટા એક્ટ હેઠળ ૧૩૩ કેસ કરવામાં આવ્યા છે. વિવિધ ગુન્હા હેઠળ ઈસમો પર વોચ રાખવા ૨૯૭ મેન્ટર મુકવામાં આવ્યા હોવાનું ડી.સી.પી. શ્રીબાંગરવાએ જણાવ્યું હતું.

બેઠકમાં ડી.સી.પી. ઝોન – ૧ શ્રી હેતલ પટેલ, ઝોન – ૨ શ્રી રાકેશ દેસાઈ, એસ.ઓ.જી ના પી.આઈ. શ્રી એસ.એમ. જાડેજા સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કસ્ટમ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક, સિવિલ, મનોચિકિત્સક, રિહેબિલિટેશન, કૃષિ અને વન વિભાગ, તોલમાપ. સાયન્ટિફિક સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનગર તેમજ સિવિલ હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!