વિદેશી દારૂ રોકવામાં ‘બોર્ડર’ નડે છે, તો દેશી દારૂ રોકવામાં કોના ‘ઓર્ડર’ નડે છે? ‘લાલો’ ફિલ્મે ઉઘાડી પાડી તંત્રની પોલ!
બહારથી આવતા દારૂ પર નિયંત્રણ ન હોવાનું બહાનું કાઢતું પોલીસ તંત્ર, નાક નીચે ધમધમતી દેશી ભઠ્ઠીઓ કેમ નથી દેખી શકતું? આ લાચારી છે કે ભાગીદારી?

બહારથી આવતા દારૂ પર નિયંત્રણ ન હોવાનું બહાનું કાઢતું પોલીસ તંત્ર, નાક નીચે ધમધમતી દેશી ભઠ્ઠીઓ કેમ નથી દેખી શકતું? આ લાચારી છે કે ભાગીદારી?
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાતી ફિલ્મ “લાલો” હાલ ધૂમ મચાવી રહી છે, ત્યારે આ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો ગુજરાત સરકાર અને પોલીસ તંત્રના ગાલ પર તમાચા સમાન સાબિત થઈ રહ્યું છે. ફિલ્મમાં મુખ્ય કલાકાર દેશી દારૂની પોટલી મોઢે માંડીને પીતો દેખાય છે, જે ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વરવી અને કડવી વાસ્તવિકતા છે.
જ્યારે રાજ્યમાં વિદેશી દારૂ પકડાય છે, ત્યારે તંત્ર પાસે બચાવ માટે એક બહાનું હોય છે કે આંતરરાજ્ય સરહદો લાંબી છે અને બીજા રાજ્યોમાંથી ચોરીછૂપીથી માલ ઘૂસાડવામાં આવ્યો છે. પરંતુ આ દેશી દારૂની પોટલીઓ માટે તંત્ર પાસે શું જવાબ છે?
તંત્રની મીઠી નજર વગર આ શક્ય જ નથી!
આ દેશી દારૂ કોઈ બીજા રાજ્યમાંથી ઇમ્પોર્ટ નથી થતો કે કોઈ કન્ટેનરમાં ભરાઈને નથી આવતો. આ ઝેરી દારૂ તો આપણા જ ગામડાઓમાં, નદીના કોતરોમાં અને શહેરોની ગલીઓમાં સ્થાનિક બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ ગાળવામાં આવે છે. જો સ્થાનિક સ્તરે દારૂ ગળાતો હોય, તો તે સ્થાનિક પોલીસની જાણ બહાર હોવું અશક્ય છે.
ત્યારે વિદેશી દારૂ માટે ભલે બોર્ડર જવાબદાર હોય, પણ દેશી દારૂ તો અહીં જ બને છે અને અહીં જ વેચાય છે. છતાં પોલીસ આંખ આડા કાન કરીને મૌન સેવી રહી છે. આ સાબિત કરે છે કે તંત્ર લાચાર નથી, પણ ક્યાંક ને ક્યાંક આ ગોરખધંધામાં ભાગીદાર છે અથવા કોઈના ‘ઓર્ડર’ થી ચૂપ છે.
“લાલો” ફિલ્મમાં બતાવાયેલા દ્રશ્યો એ માત્ર કાલ્પનિક નથી, પણ ગુજરાતના ગામડે-ગામડે જોવા મળતું સત્ય છે. ગુજરાતની જનતા હવે પૂછી રહી છે કે શું દારૂબંધી માત્ર કાગળ પર અને દંડ ઉઘરાવવા પૂરતી જ સીમિત છે? જો પોલીસ ધારે તો એક કલાકમાં આ સ્થાનિક ભઠ્ઠીઓ બંધ કરાવી શકે છે, તો પછી આ છૂટો દોર કોના ઈશારે?



