વાગરા: વીજ શોક લાગતા કામદારનું કરૂણ મોત નિપજ્યું, સાયખા કેમિકલ ઝોનની હિન્દ પ્રકાશ કેમિકલ કંપનીમાં બનેલી ઘટના
સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલ હિન્દ પ્રકાશ કેમિકલ પ્રા.લી. કંપનીમાં ગતરોજ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વીજ કરંટ લાગતા કામદાર મોતને ભેટ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ વાગરાની સાયખા સ્થિત હિંદ પ્રકાશ કેમીકલ પ્રા.લી. કંપનીના ગોડાઉન-૨ ની પાસે આવેલ લોખંડની એંગલો JCB ને નડતી હોય તે એંગલો ખસેડવા જતા એંગલને અડી જતા લક્ષમણ ચૌહાણ નામના કામદારને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તે બે-ભાન થઈ ગયો હતો. તેનુ માથુ JCBના પાછળના નાના બકેટ સાથે અથડાવવાથી તેને વીજ કરંટ લાગ્યો હતો. જેને કારણે કંપનીમાજ લક્ષમણ ચૌહાણનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક કામદાર રામછબિલા રઘુનાથ સિંઘને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બાબતે રામછબીલા સિંગ રઘુનાથ સિંગે વાગરા પોલિસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઘટનાનું પંચનામું કરી લાશને પી.એમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે નોંધનીય છે, કે વાગરાની સાયખા કેમિકલ ઝોનમાં જેમ-જેમ નવા ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે. તેમ-તેમ અકસ્માતોની ઘટનાઓમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. છાશવારે બનતા અકસ્માતના બનાવોમાં કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ક્યાંક આડેધડ પાર્કિંગ તો ક્યારે બેફામ બનેલા ઉદ્યોગકારો દ્વારા જાહેરમાં છોડવામાં આવતું કેમિકલ, તો ક્યારેક હવામાં છોડાતું પ્રદૂષણ જેવી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા સંબંધિત તંત્ર ત્વરિત એક્શનમાં આવી કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.