GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પેન્શનરો માટે આનંદના સમાચાર….ડાકઘરો મારફતે નિ:શુલ્ક બની રહ્યું છે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

તા.૨૩/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ થકી ૫ લાખથી વધુ પેન્શનધારકોને ઘેરબેઠા જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ થશે

Rajkot: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોએ હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર નહીં રહે. હવેથી તેમને પોસ્ટ ઓફિસ મારફત ડિજિટલ જીવન પ્રમાણપત્ર મળી રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે કે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા એક સમજૂતી કરાર (MoU) અંતર્ગત પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ડાકઘરોમાં અથવા તેમના ઘરમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસ કાઉન્ટર ઉપરાંત પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકોના માધ્યમથી આ સેવા ૩૧ જુલાઈ સુધી આપવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉમેર્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને સહેલાઈથી સેવા મળી શકે. આ માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર તથા પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર આપવો પડશે. જીવન પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પુરી થયા પછી, પેન્શનરને તેમના મોબાઇલ નંબર પર પ્રમાણ ID એસએમએસ દ્વારા મળશે અને પ્રમાણપત્ર https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મુશ્કેલીમાંથી પણ મુક્તિ આપે છે. ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પેન્શનરોને થોડા જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચાડી દેવામાં આવશે. આ નિર્ણયના કારણે ગુજરાત રાજ્યના ૫ લાખથી વધુ પેન્શનરોને આ સેવા મળશે. ગુજરાતના અન્ય રાજ્યોમાં રહેતા પેન્શનરો પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ માટે તેમણે નજીકના ડાકઘર અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવો પડશે.

વધુમાં, પેન્શનર હવે પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પદ્ધતિ (AEPS) નો ઉપયોગ કરીને પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ પણ ઘરે બેઠા ઉપાડી શકે છે, જેના કારણે ડાક વિભાગની આ સેવા સંપૂર્ણપણે સરળ અને સુવિધાજનક બની જાય છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કર્યો હતો, ત્યારે મુખ્ય વિઝન હતું – “તમારા ઘરઆંગણે બેંકિંગ સેવા”. એ જ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ડાક વિભાગ અને ગુજરાત સરકારે આ સંયુક્ત પહેલ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!