
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘરેલું હિંસા પીડિત મહિલાને તાત્કાલિક સહાય અને સફળ પુનઃસ્થાપન
અરવલ્લી જિલ્લાના કલેક્ટર ની અધ્યક્ષતા તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી હસીનાબેન મન્સૂરીના માર્ગદર્શન હેઠળ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી દ્વારા ફરી એકવાર મહિલા સશક્તિકરણ અને સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મારફતે પ્રેમ પ્રકરણ તથા ઘરેલું હિંસાની શિકાર બનેલી એક મહિલાને સમયસર માનવીય સહાય, સુરક્ષિત આશ્રય અને પ્રાથમિક જીવન જરૂરીયાતોની કિટ પૂરી પાડવામાં આવી હતી.અસરગ્રસ્ત મહિલાના જણાવ્યા અનુસાર, તેમના લગ્નને ૧૪ વર્ષ વીતી ગયા છે અને તેમને બે સંતાનો છે. શરૂઆતમાં પતિનું વર્તન સારું હતું, પરંતુ પાછળથી વહેમ, શંકા, ઘર કંકાસ તથા નણંદ દ્વારા ઉશ્કેરણીને કારણે ઝઘડા વધ્યા હતા. પતિ દ્વારા માનસિક તથા શારીરિક ત્રાસને કારણે તેઓ વારંવાર પીડાનો ભોગ બનતા હતા.
મહિલાએ નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને પ્રાથમિક સમાધાન થયું હતું, પરંતુ પરિસ્થિતિમાં સુધારો ન આવતાં અંતે તેમણે ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. હેલ્પલાઇન દ્વારા તાત્કાલિક તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા.સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પતિ-પત્ની બંનેને કાઉન્સેલિંગ માટે બોલાવી, પરસ્પર સંવાદ અને સમજૂતી દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું અને મહિલાનું સલામત પુનઃસ્થાપન કરવામાં આવ્યું.સખી વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી મહિલાઓની સુરક્ષા, ન્યાય, સહાય તથા સશક્તિકરણ માટે સતત પ્રતિબદ્ધ છે અને આવી સેવાઓ નિરંતર આપી રહ્યું છે.




