અમદવાદ શહેરમાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોની મરામત યૂદ્ધના ધોરણે શરૂ: AMC દ્વારા તત્કાલ કામગીરી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યભરમાં પડેલા અતિવૃષ્ટિના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો ખાડાંખાબડા થઈ જતા સામાન્ય નાગરિકોની દૈનિક યાતાયાતને ગંભીર અસર પહોંચી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને અનિવાર્ય તકલીફ ન પડે અને વાહન વ્યવહાર અનવરત રહે તે માટે સમગ્ર રાજ્યમાં તાત્કાલિક માર્ગ મરામત કામગીરી હાથ ધરવાની સૂચના આપી છે.
મુખ્યમંત્રીના આદેશો મુજબ અમદાવાદ શહેરમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત તમામ મુખ્ય અને લઘુમાર્ગોની તાત્કાલિક મરામત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું રિપેરિંગ, રીસરફેસિંગ અને મેટલ વર્ક હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી રસ્તાઓ ફરીથી વાહન ચાલકોએ ઉપયોગમાં લઈ શકે તેવા બને.
અહેવાલો મુજબ AMCના હોટ મિક્સ પ્લાન્ટમાંથી પ્રાપ્ત ડામરનો ઉપયોગ કરીને ઠક્કરનગર રોડ, શાહિબાગ, અસારવા, વલ્લભસદન, પાલડી ક્રોસ રોડ, વતન ગલી રોડ (અમરાવાડી), વાડિલાલ હાઉસ (મીઠાખળી) જેવા વિસ્તારોમાં તત્કાલ કામગીરી શરૂ થઈ ગઈ છે. કેટલાય સ્થળોએ મજબૂત રિપેરિંગ સાથે રસ્તાની સપાટી ફરી સમતળ બનાવી વાહન વ્યવહાર સુગમ બન્યો છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે કાર્યમાં ઝડપ લાવવા માટે વિવિધ ઝોનલ ઇજનેરો, ટેકનિકલ ટીમો અને મશીનરી તાત્કાલિક કામે લાગી ગઈ છે. નાગરિકોની સહાય માટે હેલ્પલાઇન તથા કંટ્રોલ રૂમ પણ સક્રિય કરવામાં આવ્યા છે, જ્યાંથી દરેક વિસ્તારમાંથી મળતી ફરિયાદો પર ત્વરિત કામગીરી થાય તે માટે વ્યવસ્થા ગોઠવાઈ છે.
નાગરિકોએ ખાડા, પાણી ભરાવા કે નુકશાનગ્રસ્ત માર્ગોની વિગતો AMCના માયએમસી એપ કે હેલ્પલાઇન મારફતે પણ નોંધાવી શકે છે.
આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ શહેરના તમામ રસ્તાઓને ફરીથી મોટરેબલ બનાવવાનો છે જેથી શાળાગામી વિદ્યાર્થીઓ, રોજગાર માટે બહાર જતા નાગરિકો અને અન્ય વાહનચાલકો સુરક્ષિત અને વિઘ્નમુક્ત રીતે યાત્રા કરી શકે.
AMC તરફથી આગામી દિવસોમાં વધુ વિસ્તારો આવરી લેવાશે અને સમગ્ર શહેરમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી તેવી જાહેરાત કરાઈ છે.