GUJARATKUTCHMUNDRA

કચ્છના ચાર તાલુકાના વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: નવા તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છના ચાર તાલુકાના વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: નવા તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક

 

મુંદરા, તા. ૩૧:

રાજ્યના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે રાજ્યના વિવિધ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કચ્છ જિલ્લાના મહત્વના ચાર તાલુકાઓ માંડવી, મુંદરા, લખપત અને નખત્રાણા ખાતે ખાલી પડેલી જગ્યાઓ ભરીને નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેનાથી સરહદી જિલ્લાના વિકાસ કાર્યોમાં નવી ગતિ આવશે. વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ આર. ત્રિવેદીની બદલી ફરી એકવાર મુંદરા તાલુકા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે. નોંધનીય છે કે માત્ર ૪૦ દિવસ અગાઉ જ તેમની મુંદરાથી સાંતલપુર બદલી થઈ હતી, પરંતુ તેઓ મુંદરાના ભૌગોલિક અને સ્થાનિક પ્રશ્નોથી સુપરિચિત હોવાથી સ્થાનિક લોકોએ ખુશી સાથે તેમની પુનઃ નિમણૂકને આવકારી છે. તેવી જ રીતે સુરત જિલ્લાના ઓલપાડના તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ. ગઢવીની નખત્રાણાના તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

વહીવટી તંત્રમાં પંચાયત સંવર્ગના વર્ગ-૩માં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી આપીને વર્ગ-૨ના અધિકારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લા પંચાયતમાં ચિટનીસ તરીકે ફરજ બજાવતા વસંતકુમાર હરિલાલ ચંદેને બઢતી આપીને લખપત તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મુંદરામાં ફરજ બજાવી ચૂકેલા અનુભવી અધિકારી વસંતકુમાર ચંદેના બહોળા અનુભવનો લાભ હવે લખપત જેવા દુર્ગમ વિસ્તારને મળશે. જ્યારે પાટણ જિલ્લા પંચાયતના ચિટનીસ મયૂરકાન્ત કેશવલાલ પરમારને માંડવી તાલુકા વિકાસ અધિકારી અને કચ્છ જિલ્લા પંચાયત સહકાર વિભાગના વિસ્તરણ અધિકારી કુલદીપસિંહ રામદેવસિંહ જાડેજાને બઢતી આપીને પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે.  

આમ, લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાતા હવે સરકારી કામકાજ વધુ ઝડપી અને સમયસર થશે, જે બદલ કચ્છી જનતાએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!