જૂનાગઢ જિલ્લાના ૪૯૫ ગામોમાં ગ્રામસભાઓ અને ૪૪૭ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાયો રક્તપિત્ત નાબૂદીનો સંદેશ : વહેલું નિદાન અને સારવાર જ શ્રેષ્ઠ ઉપાય
જૂનાગઢ જિલ્લાના ૪૯૫ ગામોમાં ગ્રામસભાઓ અને ૪૪૭ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાયો રક્તપિત્ત નાબૂદીનો સંદેશ : વહેલું નિદાન અને સારવાર જ શ્રેષ્ઠ ઉપાય

જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત રક્તપિત્ત રોગની નાબૂદી સદર્ભે રેલી, પોસ્ટર, બેનર, શાળાકીય પ્રવૃત્તિઓ, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાતો તેમજ સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. આ સાથે PHC, પેટા કેન્દ્રો અને તાલુકા સ્તરે વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ રક્તપિત્તગ્રસ્ત દર્દી વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ.” રાખવામાં આવી છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ જિલ્લાના તમામ ગામોમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરી રક્તપિત્ત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગ્રામસભામાં જિલ્લા કલેક્ટરશ્રીનો સંદેશ વાંચવામાં આવ્યો તેમજ સરપંચશ્રી દ્વારા રક્તપિત્ત નાબૂદી માટે અપીલ કરવામાં આવી હતી. સભ્યોએ પણ રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લીધી હતી. આ સાથે ગામમાં જો કોઈ રક્તપિત્તગ્રસ્ત દર્દી હોય તો તેનો સન્માન કરવામાં આવશે અને કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે તેવો સંદેશ આપવામાં આવ્યો.સમગ્ર દેશ સાથે રાજ્ય તથા જૂનાગઢ જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલેલા આ અભિયાનમાં ગ્રામસભા તથા વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રીશન કમિટીની બેઠકોમાં રક્તપિત્તગ્રસ્ત દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવા અને કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી દ્વારા જનસહભાગિતાનો અનુરોધ કરવામાં આવ્યો છે.રક્તપિત્ત એક બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી રોગ છે, જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે. ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તે સ્થળે સંવેદનાનો અભાવ જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી હિતાવહ છે. જેની સારવારનો સમયગાળો ૬ થી ૧૨ મહિના છે. વહેલા નિદાનથી હાથ, પગ અથવા આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. પગમાં સંવેદનાનો અભાવ હોય તો દર્દીઓને માઇક્રોસેલ્યુલર રબર શૂઝ વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત ચાંદા પડેલા દર્દીઓને અલ્સર કિટ આપવામાં આવે છે તથા વિકૃતિની શરૂઆતમાં મફત ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. રક્તપિત્ત કોઈ પાપ, બુરી નજર કે ગ્રહપીડાનું પરિણામ નથી, પરંતુ સંપૂર્ણપણે સારવાર યોગ્ય રોગ છે. રક્તપિત્તમુક્ત સમાજના નિર્માણ માટે સૌનો સહયોગ જરૂરી છે. રક્તપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તેમ જિલ્લા લેપ્રસી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






