ભરૂચના 3 તાલુકાના 67 ગામોમાં 430 કામોમાં ₹7.49 કરોડનું મનરેગા કાંડ, વેરાવળની બે એજન્સી સામે ગુનો

સમીર પટેલ, ભરૂચ
માનવશ્રમનો ઉપયોગ નહિ કરી બેરોજગારોની રોજગારી છીનવાઈ, મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝના માલિકો પિયુષ નુકાણી તેમજ જોધા સભાડે સરકારને જ ચોપડ્યો આર્થિક ચુનો, સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આઉટ સૉરસિંગ કર્મીઓના મેળાપીપણા, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ મનરેગા કૌભાંડમાં સામીલ હોવાનું તપાસમાં બહાર આવી શકે
ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 67 ગામોમાં મનરેગામાં રૂપિયા 7.49 કરોડનું કૌભાંડ આચરાયા હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં પણ મનરેગાના કરોડોના કામોમાં 60:40 નો રેશિયો નહિ જળવાયો હોય. મટિરિયલ્સ મુજબ અને માનવશ્રમના ઉપયોગ વિના યાંત્રિક, ગુણવત્તા વિનાનું કામ આચરાયું હોવાનો ફણગો ફૂટ્યો છે.
ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીને ત્રણ તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને જિલ્લાના 3 તાલુકા આમોદ, જંબુસર અને હાંસોટમાં મનરેગાના કામોમાં વ્યાપક ગેરરીતિ અને કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું હતું.
આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 67 ગામોમાં મનરેગા હેઠળ રોડ રસ્તાનો કોન્ટ્રાકટ વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓને મળ્યો હતો.
બન્ને કૌભાંડી એજન્સીના સંચાલકો પિયુષ નુકાણી અને જોધા સભાડ દ્વારા કામોમાં માનવ શ્રમનો ઉપયોગ કરાયો ન હતો. એટલે બેરોજગારોની રોજગારી છીનવી લેવાઈ હતી.
સાથે તપાસમાં 3 તાલુકાના 67 ગામોના 430 કામોમાં આ બન્ને કોન્ટ્રાકટ એજન્સીઓએ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટ કર્મીઓ કે અન્ય આ કૌભાંડના ભાગીદારોના મેલાપીપણામાં લેબર મટિરિયલ્સનો રેશિયો જાળવો ન હતો. મેટલ અને ક્વોરી સ્પોઇલનો સમ ખાવા પૂરતો પણ વપરાશ કર્યો ન હતો. કામ કરતા વધુ મરીરીયલ્સનો વપરાશ બતાવી વધારાના લાખોના બિલો મુકી દીધા હતા.
બન્ને એજન્સીઓના બિલો ઓનલાઇન જ પાસ કરી દેવામાં આવ્યા હતા. ઓફલાઇન બિલો પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. જે તમામ બાબતોને ધ્યાને લઇ આજે DDO ની સૂચનાથી મદદનીશ હિસાબી પ્રયોજના અધિકારી પ્રતીક ચૌધરીએ એ ડિવિઝન પોલીસ મથકે રૂપિયા 7.49 કરોડની મનરેગા કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.
હવે મનરેગા કૌભાંડનો રેલો બે એજન્સીના સંચાલકો સુધી જ સીમિત રહે છે કે આગળ અધિકારીઓ, કર્મચારીઓ અને જન પ્રતિનિધિઓ સુધી પણ પોહચે છે, તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
હાલ તો બેરોજગારીની રોજી છીનવી, સરકારને આર્થિક નુક્શાન અને સરકાર સાથે જ કરોડો રૂપિયાના વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.




