
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના દોલપુર ગામ નજીક માર્ગ અકસ્માતમાં એક બાઈક ચાલકનું દુર્ભાગ્યે ઘટના સ્થળે મોત, કાર ચાલક કાર મૂકી ફરાર થયો
મોડાસા તાલુકાના દોલપુર ગામ નજીક માર્ગ અકસ્માતમાં એક બાઈક ચાલકનું દુર્ભાગ્યે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ પુરઝડપે દોડતી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા સામે તરફથી આવી રહેલા બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં મૃત્યુ પામનાર બાઈક ચાલકની ઓળખ માલપુર તાલુકાના પહાડિયા ગામના નિવાસી તરીકે થઈ હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. ટક્કર એટલી ભયાનક હતી કે કાર ટક્કર માર્યા બાદ રોડ સાઇડની ઝાડીઓમાં જઈ ફસાયેલી હાલતમાં મળી આવી. અકસ્માત બાદ કારનો ડ્રાઈવર કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દોલપુર ગામ પાસે પુરઝડપે જતા વાહનોને કારણે સતત અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેના પગલે ગ્રામજનો દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા અને ટ્રાફિક નિયંત્રણના પગલા લેવા માંગ ઉઠી છે.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે






