નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વાંસદા તાલુકાના ચૌંઢા ગામમાં યોજાયેલ સેચ્યુરેશન બેનિફિશરી કેમ્પની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા,ચીખલી,ગણદેવી અને નવસારી તાલુકાઓના લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો
નવસારી-તા.૯. ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા , ચીખલી, ગણદેવી અને નવસારી તાલુકાઓના કલસ્ટર હેઠળના ગામોમાં સરકારી સેવાઓના ઘરઆંગણે લાભ માટે વિશેષ બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો,
જે અંતર્ગત આજરોજ વાંસદા તાલુકાના ચૌંઢા ગામ ખાતે યોજાયેલ કેમ્પમાં નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લઈ કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું . આ મુલાકાત દરમિયાન વાંસદા પ્રયોજન વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય હાજર રહ્યા હતા. આ ઉપરતા ચીખલી તાલુકામાં સરૈયા, ગણદેવી તાલુકામાં દુવાડા અને નવસારી તાલુકામાં પેરા ગામમાં બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો.
નવસારી જિલ્લાના તાલુકા કક્ષાએ યોજાયેલ કેમ્પમાં જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.
આ કેમ્પોમાં તાલુકાના વિવિધ ગામોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તા. ૧૫ જુલાઈ સુધી શરૂ છે. આ અભિયાન હેઠળ ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિલક્ષી અને માળખાકીય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચી રહી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે.





