અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ અવસરે તેમણે બાવળા અને સાણંદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરે બાવળા ખાતે સી. એમ. અમીન શાળામાં આવેલા ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર તેમજ મતદાન મથકોની જાત સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. બાવળા નગરપાલિકાના 7 વોર્ડ માટેની સામાન્ય ચૂંટણી માટે 29 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
સાણંદમાં કલેક્ટરે સી. એ. પટેલ પ્રાથમિક શાળા, જે. ડી. મંગળદાસ કન્યા વિદ્યાલય અને ન્યૂ એરા હાઈ સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું. સાણંદ નગરપાલિકાના 7 વોર્ડ માટેની સામાન્ય ચૂંટણી માટે 36 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
સાથે જ, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જે માટે 78 મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ છે.
જિલ્લામાં તમામ મતદાન મથકો માટે EVM મશીનો, જરૂરી સાધન સામગ્રી, સ્ટેશનરી અને ચૂંટણી કર્મચારીઓની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણી તંત્ર દ્વારા શુક્રવારથી સ્ટાફને મતદાન મથકો માટે રવાના કરવામાં આવ્યો છે.
કુલ મળી, સાણંદ અને બાવળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, તેવો મત કલેક્ટર સુજીત કુમારે વ્યક્ત કર્યો હતો.







