
કોડીનાર તાલુકાના સરખડી ગામની જે.આર.વાળા માધ્યમિક શાળા ખાતે ખેલમહાકુંભ-3.0 વોલીબોલ બહેનોની રાજ્ય કક્ષાની સ્પર્ધા સાથે ભ.ભા.સ્મારક ટ્રસ્ટ કોડીનાર,જે.આર. વાળા માધ્યમિક શાળા અને ગ્રામ પંચાયત સરખડીના સંયુક્ત ઉપક્રમે વ્યાયામ શિક્ષક શ્રી વરજાંગભાઈ વાળાનો સુંદર અને ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો તારીખ 01/02/1988 થી શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે જોડાય ત્યારથી જ તેઓની સામે અનેક પડકારો હતા.રૂઢિચુસ્ત વાતાવરણ અને સંકુચિત માનસના કારણે રમત ગમતનું વાતાવરણ કેવી રીતે સુલભ બનાવવું એ મોટો પડકાર હતો.ગામના મોટાભાગના લોકો રૂઢિચુસ્ત બંધનોમાં જીવતા હતા. પરંપરાગત જીવનશૈલી હતી દીકરા દીકરીઓ પણ મોટાભાગે પારંપરિક ઘરેડમાં જીવવાનું માનસ ધરાવતા હતા.આવા કપરા સંજોગોમાં તેઓએ રમત ગમત માટે ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવ્યા અને રમતનું અનુકૂળ વાતાવરણ નિર્માણ કર્યું અને ત્યારબાદ સંઘર્ષ પૂર્ણ સ્થિતિમાં ધીમી પણ મક્કમ ગતિથી વોલીબોલ રમતની શરૂઆત કરી.નાત-જાતના કોઈપણ ભેદભાવ વિના દરેક વર્ગના દીકરા-દીકરીઓને વોલીબોલ રમત રમવા માટે પ્રેરિત કર્યા અને ધીમે ધીમે સમય જતા પોતાની શાળાના બાળકોને તાલુકાથી માંડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ સ્પર્ધામાં ડંકો વગાડ્યોતત્કાલીન સમયમાં ગુજરાત સરકારશ્રીના રમત ગમત વિભાગ તરફથી વિવિધ સગવડો અને સુવિધાઓ પ્રાપ્ત થતાં તેઓએ પારાવાર સિદ્ધિઓ હાંસલ કરેલ છે.જેમાં 300 થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનોએ રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ મેડલ મેળવેલ છે જેમાં 200 જેટલી બહેનોનો સમાવેશ થાય છે જે પૈકી 68 જેટલી બહેનો નેશનલ મેડલ વિજેતા બની છે,5 (પાંચ) બહેનો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે એમાંય 2(બે) બહેનોએ ભારતીય વોલીબોલ ટીમનું કપ્તાન પદ શોભાવી સુંદર પ્રદર્શન કરેલું.આ રીતે એક જ ગામની દીકરીઓ આટલી મોટી સિદ્ધ મેળવે એ ઐતિહાસિક ઘટના છે એટલે જ તો સરખડી ગામ “સરખડી ધ વોલીબોલ વિલેજ” થી પ્રચલિત બન્યું છે.સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવીને અનેકવિધ આર્થિક લાભો પ્રાપ્ત કર્યા છે.જેમાં શક્તિદૂત યોજના,મહિલા સ્કોલરશીપ,રોકડ પુરસ્કાર,સી.ઓ.ઈ. સેન્ટર,ડી.એલ.એસ.એસ., એકેડેમી અને ઇન સ્કૂલ જેવી જાત-જાતની યોજનાઓનો લાભ મેળવીને આશરે નવ કરોડ જેટલી રકમના પુરસ્કાર મેળવેલ છે.એટલું જ માત્ર નહીં 150 જેટલા ભાઈઓ-બહેનોને વોલીબોલ રમતના માધ્યમથી રોજગારી પ્રાપ્ત થઈ છે.વોલીબોલ ક્ષેત્રે શ્રી વરજાંગભાઈ વાળાની આ સાધનાને સમાજ અને વિવિધ સંસ્થાઓએ ખૂબ બિરદાવી છે.ગુજરાતના નવ રત્ન સન્માન અંતર્ગત રમત જગતનો “એ.બી.પી.અસ્મિતા ” એવોર્ડ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.ગુજરાતના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા “સ્પોર્ટ્સ ડે”નિમિત્તે વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ પૂજ્ય સંત અભિરામદાસજી મહારાજ સેવા ટ્રસ્ટ દ્વારા “દ્રોણાચાર્ય એવોર્ડ” એનાયત કરવામાં આવેલો.ઉપરાંત ભારતીય અને ગુજરાતના વિવિધ સમૂહ માધ્યમોમાં પણ તેમના અવારનવાર લેખો,મુલાકાતો દ્વારા નોંધ લેવાતી રહી છે.એક સનિષ્ઠ વ્યાયામ શિક્ષકની નિવૃત્તિના સમયે જે.આર.વાળા માધ્યમિક શાળાના પટાંગણમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.જેમાં કોડીનાર તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાના રાજકીય-સામાજિક અગ્રણીઓ,રમત-ગમતના જુદા જુદા સંઘના હોદ્દેદારો,અધિકારીશ્રીઓ,ખેલાડીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.જેના કારણે વરજાંગભાઈ વાળાની નિવૃત્તિ વિદાયનો સમસ્ત કાર્યક્રમ સફળતાપૂર્વક શોભી ઉઠ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







