
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા

મ
ખેરગામ ગામના બાવળી ફળિયા વિસ્તારમાં ચીખલી રોડ દાદરી ફળિયાથી બાવળી ફળિયા સુધી છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઈટો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. પરિણામે સમગ્ર વિસ્તાર રાત્રિના સમયે અંધકારમાં ગરકાવ રહે છે, છતાં જવાબદાર તંત્ર તરફથી આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.આ બાબતે અનેક વખત ગ્રામ પંચાયતના સભ્યો તથા પંચાયત કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યા યથાવત છે. સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં સ્ટ્રીટ લાઈટો શરૂ કરવામાં આવી નથી, જે તંત્રની ઘોર બેદરકારીને દર્શાવે છે.સ્થાનિક આગેવાન તથા માજી ગ્રામ પંચાયત સભ્ય વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે,“છેલ્લા બે વર્ષથી બાવળી ફળિયામાં સ્ટ્રીટ લાઈટ બંધ છે. આ અંગે અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગને જાણ કરી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આશ્ચર્યની વાત એ છે કે લાઈટ ચાલુ ન હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટ વેરો નિયમિત રીતે વસૂલવામાં આવી રહ્યો છે, જે નાગરિકો સાથે ખુલ્લો અન્યાય છે.”વિડંબના એ છે કે સ્ટ્રીટ લાઈટ બંધ હોવા છતાં નાગરિકો પાસેથી વેરો વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે લાઈટ વગરનો વેરો કઈ સેવાના નામે વસૂલવામાં આવે છે? શું નાગરિકોના પૈસા માત્ર કાગળ પર જ ખર્ચાઈ રહ્યા છે? રાત્રિના અંધકારને કારણે વિદ્યાર્થીઓ, મહિલાઓ, રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અકસ્માતની શક્યતા દિવસેને દિવસે વધી રહી છે. શું કોઈ મોટી દુર્ઘટના સર્જાયા પછી જ તંત્ર જાગશે? હવે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત તથા સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો શરૂ કરશે કે પછી બાવળી ફળિયાના નાગરિકોને વધુ સમય સુધી અંધકારમાં રહેવા મજબૂર કરવામાં આવશે?



