ભરૂચમાં તંત્રએ દબાણો હટાવતાં લારી-ગલ્લા ધારકો ધંધા રોજગાર વગર બેકાર બન્યા હોય અન્ય જગ્યા ફાળવવાની માગ કરાઈ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના જબુંસર બાયપાસ ચોકડી પર કરેલા દબાણને તંત્રએ હટાવી દેતા લારી-ગલ્લા ધારકો બેકાર બન્યા હોવાના આક્ષેપો સાથે સોમવારના રોજ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપીને બ્રિજ નીચે જગ્યા ફાળવવાની માગ કરી તેનું ભાડું પણ ચૂકવવા તૈયારી બતાવી હતી.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, માર્ગ અને મકાન, એન.એચ.આઈ, જી.એસ.આર.ડી અને નગરપાલિકાના સહયોગથી શનિવારથી શરૂ થયેલી ગેરકાયદેસર દબાણ હટાવો કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર છે. ત્યારે આજે સોમવારના રોજ જબુંસર બાયપાસના લારી-ગલ્લો ચલાવતા લારી-ગલ્લાવાળાઓએ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં તેમણે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભરૂચના બાયપાસ વિસ્તારના લોકો નાના લારી-ગલ્લા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ ભરૂચમાં નગરપાલિકા હદમાં આવતા કેટલાક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓને ધંધા રોજગારથી બેરોજગાર બનાવવા માટે નગરપાલિકા દબાણ હટાવવાના નામે બેરોજગાર બનાવી રહી છે. ભરૂચમાં અસંખ્ય પાકા બાંધકામો છે જેના ઉપર કોઈ દિવસ બુલડોઝર ફરતું નથી અને નાના લારી ગલ્લાવાળાને હર હંમેશા હેરાનગતિ કરવામાં આવે છે.
હાલમાં પણ એપીએમસી માર્કેટથી લઈ અને ગરમીયા નાળા સુધી તમામ દબાણ તાત્કાલિક ધોરણે ટ્રાફિકની સમસ્યા બતાવી દૂર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે 100 થી 200 પરિવારો બેરોજગાર બની રહ્યા છે. આ તમામ લારી ગલ્લાવાળા પરિવારને યોગ્ય જગ્યા ફાળવી આપવા અન્યથા જે પાક્કા બાંધકામો છે એ પાકા બાંધકામોને પણ તાત્કાલિકના ધોરણે દૂર કરવા અથવા બાયપાસ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા ફાળવવાની માગ સાથે ભાડું પણ ચૂકવવાની રજૂઆતો કરી હતી.



