ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં સામાન્ય ૬૩ પંચાયત, વિસર્જન પંચાયતો ૦૫ અને ૧૪૫ જેટલી પંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે

**સમીર પટેલ, ભરૂચ
***
*ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૬૭ ગ્રામ પંચાયતોમાં ૨૮૭ વોર્ડની ચૂંટણી તથા ૫૩ સરપંચની ચૂંટણી ૨૨મી જૂને બેલેટ પેપરથી મતદાન થશે:*
***
*ભરૂચ જિલ્લાની ૬૮ પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ*
***
ભરૂચ – શુક્રવાર- રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય, ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી.
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨ ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે.
જ્યારે મતદાન થનાર છે તેની વિગતવાર માહિતી, જંબુસર તાલુકામાં સામાન્ય ૦૧, વિસર્જન ૦૦, પેટા ૦૩, મળી કુલ ૦૪ ગ્રામપંચાયતો, આમોદ તાલુકામાં સામાન્ય ૦૨, વિસર્જન ૦૨, પેટા ૦૧, મળી કુલ ૦૫, વાગરામાં સામાન્ય ૦૧, વિસર્જન ૦૧, પેટા ૦૦, મળી કુલ ૦૨, ભરૂચમાં સામાન્ય ૧૩, વિસર્જન ૦૦, પેટા ૦૪, મળી કુલ ૧૭, અંકલેશ્વર તાલુકામાં સામાન્ય ૧૨, વિસર્જન ૦૦, પેટા ૦૪ મળી કુલ ૧૬, હાંસોટમાં સામાન્ય ૦૩, વિસર્જન ૦૦, પેટા ૦૧ મળી કુલ ૦૪ ગ્રામ પંચાયત, ઝઘડીયામાં સામાન્ય ૦૪, વિસર્જન ૦૦, પેટા ૦૪, મળી કુલ ૦૮ ગ્રામ પંચાયતો અને વાલીયામાં સામાન્ય ૦૨, વિસર્જન ૦૧ પેટા ૦૨, મળી કુલ ૦૫ તેમજ નેત્રંગ તાલુકામાં સામાન્ય ૦૪, વિસર્જન ૦૧, પેટા ૦૧ મળી કુલ ૦૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આમ ભરૂચ જિલ્લામાં કુલ સામાન્ય ૪૨, વિસર્જન ૦૫, પેટા ૨૦, મળી કુલ ૬૭ ગ્રામપંચાયતોની તા.૨૨મીના રોજ સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.
આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ નહીં થાય. આચારસંહિતા તા.૨૮ મે થી ૨૫ જૂન-૨૦૨૫ના રોજ પરિણામની જાહેરાત સુધી અમલમાં રહેશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તા.૨૫મી જૂને મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.
આ ચૂંટણી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને મજબૂત કરવા અને જ્યાં વહીવટદાર શાસનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સત્તા ચૂંટણી દ્વારા મળી શકશે. ચૂંટણી આયોગ દ્વારા પોલીસ અને પ્રશાસન સાથે સંકલન કરીને ચૂંટણી વ્યવસ્થાને સુચારૂ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મતદારોને પાયાની લોકશાહીને વધુ મજબુત કરવા પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી મતદાન કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
***



