“બાળલગ્ન મુક્ત ભારત” અંતર્ગત પંચમહાલ ખાતે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ વિશે તાલીમ યોજાઈ

ગોધરા:-
નિલેશભાઈ દરજી ગોધરા
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ,ભરૂચના સહયોગથી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ડી.બુટીયાના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરશ્રી, સી ટીમ, મહિલા પોલીસ ટીમ સાથે બાળ લગ્ન મુક્ત ભારત અંતરગત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંગે તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ૪૦થી વધુ પોલીસ કર્મચારી અને ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર હાજર રહ્યા હતા.
આ તાલીમમાં કોઈ બાળકના બાળલગ્ન થવાની જાણ થતાં પોલીસ/ચાઇલ્ડ લાઇન/બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમને લેખિત અરજી કરી જાણ કરવા, બાળક સાથે કોઇ વ્યક્તિ કે ઘરનાં સભ્યો બળજબરીથી કે તેમની ઇચ્છા વિરુધ્ધ આવા લગ્ન કરાવતાં હોય તેમ જણાઇ તો તેમાં દરમિયાનગીરી કરી સંબંધિત અધિકારીને જાણ કરી આવા લગ્ન અટકાવવા માટે મદદરૂપ થવા તેમજ સમાજનાં આગેવાનોની હાજરીમાં બાળલગ્ન એક દૂષણ છે તે અંગેનાં જાગૃતિ કાર્યક્રમો કરવા જેવી ફરજો વિશે જણાવી તેનું પાલન કરી બાળ લગ્ન અટકાવવા અંગે જાણકરી આપવામાં આવી હતી. તેમજ બાળ લગ્નથી બાળકોના માનસ અને જીવન પર થતી માઠી અસરો, તેના જવાબદાર કારણો, પરિણામો, અપરાધી કોને કહેવાય? અપરાધની સજા અને બાળ લગ્ન રોકવા આપણી શું ફરજો છે! બાળ લગ્ન સામે કરવાની થતી કાર્યવાહી જેવા વિષયો અંગે વિસ્તૃત સમજણ સાથે તાલીમ આપવામાં આવી હતી.






