ભરૂચમાં વીજ કંપનીએ ગ્રાહકને 87 લાખનું બિલ ફટકાર્યું:બિલ જોતા જ ગરીબ પરિવારને 440 વોટનો ઝટકો લાગ્યો, અધિકારીઓએ ટેક્નિકલ ભૂલ ગણાવતા રાહતનો શ્વાસ લીધો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં DGVCL(દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ગંભીર બેદરકારી સામે આવી છે. ભરૂચના કુકરવાડા ગામમાં એક પરિવારને 87 લાખનું વીજ બિલ ફટકારી દીધું હતું. જે બિલને જોતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા હતા. જોકે, વીજ કંપનીના અધિકારીઓએ આ બિલને ટેક્નિકલ ભૂલ ગણાવી અને તરત જ સુધારી દીધું હતું.
કુકરવાડા ગામમાં આવેલી નવીનગરી વિસ્તારમાં એક સામાન્ય મકાનમાં રહેતા બુધા વસાવા, જેઓ એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિને 12,000 રૂપિયા કમાય છે, પરતુ વીજ કંપની દ્વારા તેમને 87 લાખ રૂપિયાનું વીજ બિલ ફટકારી દીધું હતું. જે બિલ જોતા જ તેઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને ગરીબ પરિવારને 440 વોટનો ઝટકો લાગ્યો હતો.
આ અંગે તેમણે જીઈબીના અધિકારીઓને સંપર્ક કર્યો હતો. તપાસ બાદ, વીજ કંપનીના અધિકારીઓએ આ બિલને ટેક્નિકલ ભૂલ ગણાવી હતી અને તરત જ આ બિલને 1,400 રૂપિયા કરી સુધારી દીધું હતું.
બુધા વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, મારે પાંચમા મહિનામાં 1320 રૂપિયા વીજ બિલ આવ્યું હતું, પરતું આ વખતે સાતમા મહિનામાં જે બિલ આવ્યું છે તેના આંકડા વધારે લખાયેલા હોય હું મારા બાજુવાળા ભાઈને પૂછવા ગયો તો તેમણે મને કહ્યું કે, તમારું તો 80 લાખ જેવું બિલ આવ્યું છે તે સંભાળીને તો મને ચક્કર આવી ગયા હતાં. આટલું બધું બિલ બે મહિનામાં મારે કેવી રીતે આવે ?
વીજ કંપનીએ બિલ તો સુધારી દીધું, પરંતુ આ પ્રકારની ભૂલ કોઈ સામાન્ય વ્યક્તિને ઝટકામાં મૂકી શકે છે. 87 લાખનું બીલ મેળવે તો હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. આવી ભૂલ કેવી રીતે થઈ શકે છે? વીજ કંપનીએ હાલમાં તો વીજ બિલ સુધારી દેતા બુધા વસાવાએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, તેમના પુત્રએ આ બિલ સોશિયલ મીડિયામાં વહેતું કરતા તે બિલનો ફોટો વાયરલ થયો છે.



