AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના વઘઈ ગામના ભરવાડ ફળીયામાં દીપડાનો આતંક:-વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હસ્તકની વઘઈ રેંજનાં વઘઇ નગરમાં દીપડાના હુમલાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વઘઈના રહેણાંક વિસ્તાર ગણાતા ભરવાડ ફળીયામાં ગઈકાલે મોડી રાત્રે એક દીપડાએ ત્રાટકીને પશુપાલકના કોઢારમાં બાંધેલી વાછરડીનું મારણ કર્યું હતુ.આ ઘટનાની વિગત મુજબ, પશુપાલકે રાબેતા મુજબ પશુઓને કોઢારમાં બાંધ્યા હતા, પરંતુ રાત્રિના અંધકારનો લાભ લઈ દીપડાએ હુમલો કર્યો હતો. સવારે જ્યારે પશુપાલક કોઢારમાં પહોંચ્યા ત્યારે વાછરડીને મૃત હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા.આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીને પગલે ખાસ કરીને નાના બાળકો અને પશુઓની સલામતીને લઈ વાલીઓ અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે.સ્થાનિકો દ્વારા તાત્કાલિક વઘઇ વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પંચનામું કરી તપાસ હાથ ધરી હતી. વઘઈના રહીશોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે, માનવ વસાહત પાસે આવી ગયેલા આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે અને વિસ્તારમાં રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ જાનહાનિની ઘટના ન બને.

Back to top button
error: Content is protected !!