
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
યુવાઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ આવે અને યુવાઓમાં રહેલું રમતગમતનું કૌશલ્ય બહાર લાવવાના આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦ માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આ ખેલ મહાકુંભમાં અનેક રમતવીરોએ ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે.
રાજ્યમાં હાલમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ ૩.૦ માં આ વર્ષે રેકર્ડ બ્રેક ૭૧ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ કુલ ૮૩,૭૪૮ ખેલાડીઓએ વિવિધ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ડાંગમાં કુલ ૭,૪૬૮ જેટલી ટીમોનું ગૃપ રજીસ્ટ્રેશન થયું છે. જેમાં વય જુથ પ્રમાણે અંડર ૯ એજ ગૃપમાં ૩૦૦૫, અંડર ૧૧ એજ ગૃપમાં ૪૧૭૨, અંડર ૧૫,૨૯૪, અંડર ૧૭ એજ ગૃપમાં ૧૪,૩૯૩, ૪૦ વયથી વધુ વય જુથમાં ૫૭૮ તેમજ ઓપન એજ ગૃપમાં કુલ ૪૫,૯૪૯ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. ડાંગ જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ ની રમતોમાં ગ્રામ્ય, તાલુકા કક્ષાની રમતો પુર્ણ થઇ છે. જ્યારે હાલમાં જિલ્લા કક્ષાની વિવિધ રમોતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ વયજુથોની આ રમતો ૩૧ જાન્યુઆરી સુધી જિલ્લામાં યોજાનાર છે.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૩.Oમાં આ વર્ષે વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.
વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ–ઈન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે.
ડાંગ જિલ્લાની વાત કરીએ તો, તાજેતરમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડીયમ ખાતે યોજાયેલ ખો-ખો વર્લ્ડ કપ – ૨૦૨૫ ભારતીય (વુમન્સ) ખો-ખો ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેમાં ડાંગની દીકરી ઓપીના ભિલારે પણ ભાગ લીધો હતો. ઓપીના ભીલાર ખો-ખો રમતમાં શરૂઆત થી જ રસ ધરાવતી હતી. વર્ષ ૨૦૧૦ માં ખેલ મહાકુંભ શરૂ થયો અને જે બાદ તેણી આ રમતમાં ભાગ લઇ રમતમાં પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા લાગી હતી. ખેલ મહાકુંભ થકી તેણીને આગળ જવામાં ઘણી જ મદદમળી છે. આ ઉપરાંત “ગોલ્ડન ગર્લ” તરીકે ઓળખાયેલી ડાંગની આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડે પણ તેના અથાગ પરિશ્રમથી જે મંઝિલ હાંસલ કરી છે તે જગજાહેર છે. સરીતા ગાયકવાડે એશિયન ગેમ્સની રીલે દોડમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સરિતા ઉપરાંત ઓલમ્પિક રમતની તૈયારી કરી રહેલા અને “ડાંગ એક્સપ્રેસ” ના નામે જાણીતા યુવક મુરલી ગાવિતે સને ૨૦૨૨મા કર્ણાટક ખાતે યોજાયેલી ‘નેશનલ ઓપન એથ્લેટીક્સ ગેમ’મા ભાગ લઈ દસ હજાર મીટર દોડની સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવી, સમગ્ર ડાંગ જિલ્લા અને ગુજરાત રાજ્યને ગૌરવ આપાવ્યુ છે. આમ, આ તમામ ખેલાડીઓને આગળ વધવા સાથે રમતમાં આગવું સ્થાન અપાવવા માટે ખેલમહાકુંભની રમતોનો સિંહ ફાળો રહ્યો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યિક શાળાઓ અને તમામ એકલવ્ય શાળાઓના નામી અનામી બાળકોએ ખેલમહાકુંભમાં આગવુ પ્રદર્શન કરી જિલ્લા અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે. ડાંગ જિલ્લામાં હાલ જિલ્લા કક્ષાની હોકી, યોગાસન, ચેસ, કબડ્ડી, બેટમીન્ટન, ખો-ખો, બાસ્કેટબોલ, લોનટેનીસ, શુંટિગબોલ, રગ્બી, રસ્સાખેંચ, સ્કેટીંગ, આટીસ્ટીક સ્કેટીંગ, ફૂટબોલ, આર્ચરી, વોલીબોલ, જુડો, ટેબલ ટેનીસ, કુસ્તી જેવી વિવિધ રમતો પુર્ણ થઇ છે. જ્યારે તારીખ ૩૧ જાન્યુઆરી સુધી કરાટે, હેન્ડબોલ, ટેકવેન્ડો, એસ્થેલેટીક્સ જેવી રમતો યોજાનાર છે. ખેલ મહાકુંભ રમતોમાં આ તમામ રમતો આવરી લેવામાં આવતી હોય ડાંગ જિલ્લાના ખેલાડીઓ મોટી સંખ્યામાં ભાગ લઇ પોતાના કરતબો દેખાડી રહ્યાં છે.
ડાંગ જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ ના અધ્યક્ષશ્રી, જિલ્લા ખેલકુદ પરિષદ, જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા આ રમતોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.





