AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં રોકાણકારોને ડબલ રૂપિયાની લાલચ આપી ૧૫.૪૦ લાખની છેતરપિંડી આચરનાર એજન્ટ વલસાડથી ઝડપાયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

Oplus_16908288

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુન્હામાં સંડોવાયેલા એક વોન્ટેડ એજન્ટને પકડી પાડવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે.જિલ્લાના નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ તપાસમાં હતી.આ દરમિયાન PSI જે.જી.અનડકટ અને તેમની ટીમને ચોક્કસ હ્યુમન અને ટેકનિકલ સોર્સ દ્વારા બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સંજયભાઈ ધીરૂભાઈ રાઠોડ વલસાડ જિલ્લાના બલવાડા ગામે એક લગ્ન પ્રસંગમાં આવવાનો છે.આ બાતમીના આધારે પોલીસે બલવાડા ખાતે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.આ કેસની વિગત મુજબ, આરોપી સંજયભાઈ રાઠોડ (રહે. હેમંતબાગ, મોગરાવાડી, વલસાડ) એ એક માર્કેટિંગ કંપનીમાં નાણાંનું રોકાણ કરવા માટે ફરિયાદી અને અન્ય લોકોને લોભામણી લાલચ આપી હતી. તેણે રોકાણકારોને વિશ્વાસ અપાવ્યો હતો કે રોકાણ કરેલ મુદ્દલ રકમ ૬ મહિનામાં પરત મળશે અને ૭ મહિનામાં રકમ ડબલ થઈ જશે. આ લાલચમાં આવીને રોકાણકારોએ કુલ ૧૮,૪૦,૦૦૦/- રૂપિયાનું સ્કીમમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં આરોપીએ કટકે-કટકે ૩,૦૦,૦૦૦/- રૂપિયા પરત આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો, પરંતુ બાકીના ૧૫,૪૦,૦૦૦/- રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.આ ઘટના અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૧૮(૪), ૬૧(૨), ૩(૫) તેમજ જી.પી.આઇ.ડી. એક્ટ-૨૦૦૩ અને ધી પ્રાઇઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન (બેનીંગ) એક્ટ-૧૯૭૮ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.હાલમાં ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ ૪૨ વર્ષીય આરોપી સંજય રાઠોડને વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!