Navsari: મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘SWAGAT 2.0’ તથા CMOમાં મળતી રજૂઆતોનો
ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે રજૂઆતનો પ્રત્યુત્તર ના આવે ત્યાં સુઘી રજૂઆત સ્વયં આગળ વધતી રહેશે
મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તેમજ મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલયને મળતી અરજદારોની રજૂઆતો/પ્રશ્નો/ફરિયાદોનું સ્થાનિક કક્ષાએ નિયત સમયમર્યાદામાં સંતોષજનક અને સચોટ નિરાકરણ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીના SWAGAT ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં અપગ્રેડેડ વર્ઝન સ્વાગત ૨.૦ અને ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ (સ્વયં સંચાલિત વૃદ્ધિ મેટ્રિક્સ) પદ્ધતિ અમલમાં આવેલી છે. આ પદ્ધતિ સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન પદ્ધતિથી લાગુ કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને મળતી અરજીઓનો નિયત સમયમર્યાદામાં નિકાલ થાય તે અંગે વિભાગ, વિભાગ હેઠળનાં ખાતાના વડા અને જિલ્લા, તાલુકા તેમજ અન્ય તાબાની કચેરીઓનું ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં નાગરિકોની રજૂઆતોનો યોગ્ય નિકાલ કરી પ્રત્યુત્તર પાઠવવામાં ન આવે ત્યાં સુધી સંબંધિત અધિકારીનાં ઉપરી અધિકારીને આ રજૂઆત ઓટો એસ્કેલેટ થશે.
દરેક કચેરી /વિભાગમાં મળતી ફરિયાદના વિષયોને નિકાલ માટેની સમયમર્યાદા અનુસાર “ગ્રીન, યલો અને રેડ કેટેગરી”માં વહેંચણી કરેલ છે. અરજદાર પોતાના યુનિક આઈ.ડી. થી રજૂઆત અન્વયેનો જવાબ ડાઉનલોડ કરી શકશે તેમજ અરજદારશ્રીની રજૂઆત અન્વયે કરેલ કાર્યવાહીના દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે. આ ઉપરાંત અરજદાર સંબંધિત અધિકારીના જવાબથી સંતુષ્ટ ન હોય તો યોગ્ય કારણો સાથે નિયત સમયમર્યાદામાં અરજી પરત મોકલી શકશે તથા પોતાનો અભિપ્રાય આપી શકશે.
અત્રે નોંધનીય છે કે, સ્વાગત કાર્યક્રમમાં તા.૦૧ થી તા.૧૦ સુધીની અરજીઓ જિલ્લા/તાલુકા /ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં સમાવવાની રહેશે. સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, ત્યારે અગાઉના સબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું. પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરૂ નામ, પુરૂ સરનામું અને ફોન નંબર લખવાનો રહેશે. અરજીમાં અરજદારશ્રીની સહી હોવી. અરજી સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે.સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો રજુ કરી શકાશે નહી.પ્રશ્ન અરજદારશ્રીનો પોતાનો હોવો જોઇએ-બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહી. કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી વાય. બી. ઝાલા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.



