GUJARATKUTCHMUNDRA

ગુંદાલામાં ગુરુ-શિષ્યાના અતૂટ પ્રેમનાં દર્શન : શિક્ષિકા ઝલકબેનની વિદાય વેળાએ દીકરીઓએ કરી પુષ્પવર્ષા

મુંદરાની કોલેજની તાલીમાર્થી બહેનોએ નિહાળ્યું 'સાચા શિક્ષકનું મૂલ્ય'

વાત્સલ્યમ્ સમાચાર,

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ગુંદાલામાં ગુરુ-શિષ્યાના અતૂટ પ્રેમનાં દર્શન : શિક્ષિકા ઝલકબેનની વિદાય વેળાએ દીકરીઓએ કરી પુષ્પવર્ષા

૦૦૦

મુંદરાની કોલેજની તાલીમાર્થી બહેનોએ નિહાળ્યું ‘સાચા શિક્ષકનું મૂલ્ય’

૦૦૦

વતન જવાની ખુશી કરતા બાળકોથી વિખૂટા પડવાની વેદના શિક્ષિકાની આંખોમાં છલકાઈ

 

રતાડીયા,તા.16: કચ્છના મુંદરા તાલુકાના ગુંદાલા ગામની કન્યા શાળામાં તાજેતરમાં એક એવો વિદાય સમારંભ યોજાયો જેણે માનવતા અને ગુરુ-શિષ્યના સંબંધોની નવી મિસાલ પેશ કરી છે. શાળાના લોકપ્રિય શિક્ષિકા ઝલકબેન પ્રભુરામ પટેલની વતન નજીક બદલી થતા તેમને અપાયેલી વિદાય માત્ર ઔપચારિકતા નહીં પણ લાગણીઓનું સંગમ બની રહી હતી.

વિદાયના આ પ્રસંગે ભાવુકતાની સાથે સાથે અત્યંત આદરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. શાળાની નાની-નાની બાળાઓએ પોતાની વહાલી શિક્ષિકા પર પુષ્પવર્ષા કરીને તેમને માનભેર વિદાય આપી હતી. ફૂલોની પાંખડીઓ વચ્ચેથી પસાર થતા શિક્ષિકા અને તેમને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડતી બાળાઓના દ્રશ્યોએ હાજર રહેલા સૌ કોઈના આંખોના ખૂણા ભીના કરી દીધા હતા. એક બાજુ વતન જવાની ખુશી હતી તો બીજી બાજુ બાળકોને છોડવાની અસહ્ય વેદના હતી.

ગુંદાલા કન્યાશાળાના પ્રિન્સિપાલ ભાવનાબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુંદરાની બી.એડ. કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને પી.ટી.સી. કોલેજની તાલીમાર્થી બહેનો પણ જોડાઈ હતી. ભવિષ્યના આ શિક્ષકોએ પોતાની આંખે જોયું કે સાચા શિક્ષકનું મૂલ્ય શું હોય છે અને કેવી રીતે નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન અપાવે છે. તાલીમાર્થી બહેનો માટે આ વિદાય સમારંભ એક જીવંત શિક્ષણ સમાન બની રહ્યો હતો.

આ હૃદયસ્પર્શી દ્રશ્યો વચ્ચે સમાજમાં એક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કચ્છ જિલ્લામાં તાજેતરમાં 550 શિક્ષકોની બદલી થઈ છે જેના કારણે અનેક શાળાઓમાં શિક્ષણ કાર્ય અને બાળકોના મન પર અસર થાય છે. ગ્રામજનો અને શિક્ષણપ્રેમીઓમાં એવી માંગ ઉઠી છે કે જો કચ્છના જ લાયક ઉમેદવારોને કચ્છમાં શિક્ષક તરીકેની નોકરી મળે તો તેઓ આજીવન અત્રે સેવા આપી શકે. આનાથી આવા ભાવુક અને પીડાદાયક વિદાયના દ્રશ્યો ભવિષ્યમાં ન સર્જાય તે માટે કચ્છના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને નેતાઓ આગળ આવે તેવી પ્રબળ લોક માંગ છે.

ગુંદાલા કન્યા શાળાની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ભલે ગમે તેટલા ડિજિટલ યુગમાં આપણે જીવતા હોઈએ પણ એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો આત્મીય નાતો આજે પણ અકબંધ છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!