૨૩ વર્ષ દરમિયાન વંચિતોના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.
૧૦.૬૯ કરોડના ૧૬૧ વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત.

વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,મહેસાણા
આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના
આજરોજ કમળાબા હોલ, સાર્વજનિક સ્કૂલ, મહેસાણા ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસ કામોનો ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે જિલ્લાના વિવિધ ૧૦.૬૯ કરોડના ૧૬૧ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ૨૩ વર્ષમાં ગુજરાતે વિકાસની ગતિ પકડી છે. આ ૨૩ વર્ષ દરમિયાન ગુજરાતને વિકાસના અનેક આયામો અને પ્રકલ્પોની ભેટ મળી છે. ૨૩ વર્ષથી સતત ચાલતી વિકાસ પ્રક્રિયાના પરિણામે આજે ગુજરાતે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને પ્રધાનમંત્રીશ્રીના વર્ષ ૨૦૪૭માં વિકસિત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા માટેની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.
ગુજરાતને વિકાસનું લેન્ડિંગ હબ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે ગુજરાતમાં સૌથી વધુ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાના કારણે રોજગારી પણ મળી રહી છે. આથી આ મોડલને અનુસરીને દેશના અન્ય રાજ્યોએ પણ વાઇબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટો યોજવાની શરૂઆત કરી છે.
આરોગ્ય ક્ષેત્રની ગુજરાતમા શરૂ કરાયેલી મા કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવા માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આયુષ્માન કાર્ડ યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના છે. જેમાં હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જેનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષમાં થયેલા વિકાસ અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ ગુજરાતનું બજેટ ૬ હજાર કરોડ હતું. જે આજે વધીને ૩.૩૨ લાખ કરોડ સુધી પહોંચ્યું છે તેમજ વર્ષ ૨૦૦૧ માં ૨૯ લાખ હેકટર પિયત વિસ્તાર હતો જે આજે ૬૨ લાખ હેકટર વિસ્તાર સુધી પહોંચ્યો છે આમ ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે.
લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૩ વર્ષમાં થયેલા વિકાસની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. આ ૨૩ વર્ષ દરમિયાન વંચિતોના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આવી કલ્યાણકારી યોજનાઓના લાભ લઈ અનેક લોકોના જીવનમાં ઉજાસ પથરાયો છે. કાચા આવાસમાં રહેતા લોકોને પાકા આવાસની સુવિધા આવાસની વિવિધ યોજનાઓ મારફત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ડૉ. હસરત જૈસમીને સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.સી. સાવલીયાએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, અગ્રણી સર્વે શ્રી ગીરીશભાઈ રાજગોર, શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, શ્રી જે. એફ. ચૌધરી, શ્રી ભગાજી ઠાકોર, શ્રી ગણપતભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એચ. એમ. ચાવડા, સંબંધિત વિભાગના અધિકારી/ કર્મચારીશ્રીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.






